ભારતમાં ‘ડિજિટલ એરેસ્ટ’ કરીને સાયબર ફ્રોડના કિસ્સામાં ચોંકાવનારો વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં નોઇડામાં પોલીસે ‘ડિજિટલ એરેસ્ટનો’ કેસ દાખલ કર્યો હતો. સાયબર ફ્રોડના એક નવા ટ્રેન્ડમાં એક મહિલા સાથે આશરે રૂ.11 લાખની ઠગાઈ થઈ હતી અને આ મહિલાને સવારથી સાંજ સુધી ડિજિટલ એરેસ્ટ કરીને બંધક બનાવી હતી. સાયબર ઠગોએ પોતાને પોલીસ અધિકારી તરીકે રજૂ કર્યા હતાં અને સીબીઆઇના એક આઇપીએસ અધિકારી અને બંધ થયેલી એક એરલાઇન્સના સ્થાપકનું નામ આપ્યું હતું અને કહ્યું હતું કે મહિલા મની લોન્ડરિંગમાં સંડોવાયેલી છે.
હરિયાણાના ફરીદાબાદમાં તાજેતરમાં આવી જ એક ઘટના નોંધાઈ હતી, જ્યાં સાયબર ગુનેગારોએ પોલીસ અધિકારીઓનો સ્વાંગ રચીને એક મહિલાને એક અઠવાડિયાથી વધુ સમય સુધી “ડિજિટલ એરેસ્ટ” હેઠળ રહેવાની ફરજ પાડી હતી. આ મહિલાને કહેવામાં આવ્યું હતું કે તેના અંગત આઇડીનો ઉપયોગ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે થયો છે. આ પછી આ ગુનેગારોએ મહિલાને સૂચના આપી હતી કે તે સ્કાયપે મારફત ઓનલાઇન રહે અને કોઇને આ બાબતની જાણકારી ન આપે છે. આ સમયગાળામાં મહિલા પર ચાંપતી નજર રાખવામાં આવી હતી.
નોઇડાની મહિલાનો 13 નવેમ્બરે IVR (ઇન્ટરેક્ટિવ વોઇસ રિસ્પોન્સ) કોલ પર સંપર્ક કરાયો હતો અને કહેવામાં આવ્યું હતું કે મુંબઇમાં તેના આધાર કાર્ડનો ઉપયોગ કરીને મોબાઇલ ફોન સિમ કાર્ડ ખરીદવામાં આવ્યું હતું અને તેનો ઉપયોગ ગેરકાયદેસર જાહેરાત અને સ્ત્રીઓના ઉત્પીડન માટે કરાયો છે. આ પછી આ કોલ બનાવટી મુંબઈ પોલીસ અધિકારીને ટ્રાન્સફર કરાયો હતો, જેને આ કોલ પર અને પછી સ્કાઇપે વીસી પર પ્રાથમિક પૂછપરછ કરી હતી. આ પછી મહિલાને કહેવામાં આવ્યું હતું કે એક એરલાઇના સ્થાપક સંબંધિત મની લોન્ડરિંગમાં તમારું નામ છે. આ માટે ફરિયાદ થઈ છે અને સુપ્રીમ કોર્ટે ધરપકડનું વોરંટ કાઢ્યું છે. આ રીતે ડરાવીને મહિલા પીએફસી એકાઉન્ટમાં નાણા ટ્રાન્સફર કરવાની સૂચના આપી હતી.