દેશની સંસદમાં પ્રથમ અશ્વેત મહિલા એમપી તરીકે 1987માં હેકની નોર્થ અને ઇસ્ટ લંડનના સ્ટોક ન્યુઇન્ગ્ટન માટે સંસદમાં ચૂંટાઇ આવેલા ડાયાન એબેટે લેબર ઉમેદવાર તરીકે ફરીથી ચૂંટણી લડવા માટે પ્રતિબંધિત કરવામાં આવ્યા હોવાનો દાવો કરતા વિપક્ષી લેબર પાર્ટીની રેન્કમાં વિવાદ ફાટી નીકળ્યો હતો. બીજી તરફ ધ સન્ડે ટાઈમ્સના અહેવાલ મુજબ કેટલાક ડાબેરી લેબર સાંસદોએ દાવો કર્યો છે કે ચૂંટણીની જાહેરાત થયા બાદ તેમને કહેવાયું છે કે જો તેઓ તેમની બેઠકો સર કેરના સહયોગીઓને આપશે તો તેમને હાઉસ ઓફ લોર્ડ્સમાં સ્થાન આપવામાં આવશે. જો કે લેબરે આ દાવાને નકારી કાઢ્યો છે.
વિવિધ સમુદાયો દ્વારા સામનો કરવામાં આવતા જાતિવાદના સ્તરો વિશેની એબોટની વિવાદાસ્પદ ટિપ્પણી અંગેની તપાસ બાદ આ અઠવાડિયે ડાયાનનું સસ્પેન્શન હટાવવામાં આવ્યું હતું.
એબોટે X પર એક પોસ્ટમાં કહ્યું હતું કે “સ્વાભાવિક રીતે, લેબર વ્હીપે મને પુનઃસ્થાપિત કરીને અને PLP (સંસદીય લેબર પાર્ટી)ના સભ્ય બનવા બદલ મને આનંદ થાય છે. હું લેબરની જીત માટે પ્રચાર કરીશ. પરંતુ હું ખૂબ જ નિરાશ છું કે અસંખ્ય અહેવાલો સૂચવે છે કે મને ઉમેદવાર તરીકે પ્રતિબંધિત કરવામાં આવી છે.”
લેબર નેતા સર કેર સ્ટાર્મરે પત્રકારોને કહ્યું હતું કે “ના, ડાયાન એબોટ પર પ્રતિબંધ મૂકવાનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. તેઓ લેબર ઉમેદવાર તરીકે ઊભા રહેવા માટે “સ્વતંત્ર” છે.”
લોર્ડ્ઝમાં નિમણુંક અંગે શેડો હોમ સેક્રેટરી હ્યુવેટ કૂપરે સ્કાય ન્યૂઝને કહ્યું હતું કે “કોઈ પક્ષ આવું કરી શકે નહીં. નિમણુંક માટેની સ્વતંત્ર સમિતિ સાથે એક સંપૂર્ણ પ્રક્રિયા છે જે વડા પ્રધાન દ્વારા નિયુક્ત નોમિનેશનની ચકાસણી કરે છે.”
વડા પ્રધાન સુનકે વિવાદમાં ઝંપલાવીને કહ્યું હતું કે ‘’વિપક્ષે એબોટ સંબંધિત મુદ્દાઓને “સાફ” કરવો જોઈએ. લેબર પાર્ટી દરેકને કહેતી રહી છે કે ડાયાન એબોટની તપાસ ચાલુ છે, પણ હવે એવું લાગે છે કે તે મહિનાઓ પહેલા પૂર્ણ થઇ ગઇ હતી.”
એબોટે ‘ઓબ્ઝર્વર’ અખબારમાં લખ્યું હતું કે ‘’આઇરિશ, યહૂદી અને પ્રવાસી લોકો નિઃશંકપણે પૂર્વગ્રહનો અનુભવ કરે છે જે “જાતિવાદ સમાન” છે. તે પછી ગયા વર્ષે એપ્રિલમાં લેબરે તપાસ શરૂ કરી હતી.
એબોટે તે પછી માફી માંગી ટિપ્પણી તરત જ પાછી ખેંચી લીધી હતી. લેબરની નેશનલ એક્ઝિક્યુટિવ કમિટી (એનઈસી)એ “ઔપચારિક ચેતવણી” આપી “ઓનલાઈન, ઈ-લર્નિંગ મોડ્યુલ” માટે કહ્યું હતું. એક સ્ત્રોતે બીબીસીને જણાવ્યું હતું કે તે બે કલાકનો એન્ટીસેમેટીઝમ જાગૃતિ અભ્યાસક્રમ હતો.
એબોટ 2020માં લેબરના સાંસદ તરીકે સસ્પેન્ડ કરાયેલા પાર્ટીના ભૂતપૂર્વ નેતા જેરેમી કોર્બીનના સાથી છે. ત્યારે તેમણે પુષ્ટિ કરી હતી કે તેઓ તેમના ભૂતપૂર્વ પક્ષ સામે અપક્ષ ઉમેદવાર તરીકે ઊભા રહેશે.