ડ્યુક ઑફ કેમ્બ્રિજ પ્રિન્સ વિલિયમ અને ડ્યુક ઑફ સસેક્સ પ્રિન્સ હેરી ફરીથી ડિઝાઇન કરાયેલા લંડન સ્થિત કેન્સિંગ્ટન પેલેસના સનકેન ગાર્ડનમાં પોતાની માતા, પ્રિન્સેસ ઑફ વેલ્સ, ડાયેનાની પ્રતિમાનું અનાવરણ કરવા માટે એક થયા હતા. તેમણે કહ્યું હતું કે “દરરોજ અમે ઈચ્છીએ છીએ કે તેણી હજી પણ અમારી સાથે હોત. અમે આજે પણ તેમના પ્રેમ, તાકાત અને કેરેક્ટરને યાદ કરીએ છીએ.”
બન્ને ભાઇઓ યોજાયેલા આ સમારોહ માટે સાથે આવ્યા હતા અને એપ્રિલમાં ડ્યુક ઑફ એડિનબરાના અંતિમ સંસ્કાર પછી એક સાથે પ્રથમ વખત સાથે દેખાયા હતા.
બન્ને ભાઇઓએ પ્રતિમાનું અનાવરણ કરતાં જણાવ્યું હતું કે “તેમના ગુણોએ વિશ્વભરમાં સારપણ માટે બળ ઉભુ કર્યું હતું અને વધુ સારા હેતુ માટે અગણિત લોકોના જીવનને બદલ્યું હતું. અમને આશા છે કે પ્રતિમાને તેમના જીવન અને વારસાના પ્રતીક તરીકે કાયમ માટે જોવામાં આવશે. વિશ્વભરના બધા લોકો અમારી માતાની સ્મૃતિને જીવંત રાખે છે તે બદલ સૌનો આભાર.’’
કેન્સિંગ્ટન પેલેસે જણાવ્યું હતું કે ‘’જ્યારે ડાયેના ત્યાં રહેતા હતા ત્યારે તે પ્રિન્સેસના પસંદગીના સ્થળોમાંનું એક સ્થળ હતું.’’
પ્રિન્સ હેરીએ ગત વર્ષે શાહી ફરજ પરથી દૂર થયા બાદ પ્રિન્સ વિલિયમ સાથેના સંબંધો ખાટા થયા હોવાનો સંકેત આપ્યો હતો. તેમણે માર્ચમાં ઓપ્રાહ વિનફ્રેને ઇન્ટર્વ્યુમાં કહ્યું હતું કે બંને “જુદા જુદા રસ્તાઓ” પર હતા. તે પછી, મે મહિનામાં, તેમણે માતાના મૃત્યુ વિશે વાત કરવા માટે તેમના પરિવારની અનિચ્છા અને તેમના મૌનથી કેવી રીતે દુ:ખ થતું હોવાની વાત કરી હતી. તેમણે માતાને ગુમાવવાના દુ:ખનો સામનો કરવા માટે ડ્રગ્સ લેવા અને દારૂ પીવા માટે તૈયાર થયા હોવાનું જણાવ્યું હતું.’’
જો કે તે દિવસ તેમની માતા અને તેમના વારસા વિશેનો હોવાથી બન્ને ભાઇઓ એકબીજા સાથે હસતા – બોલતા દેખાયા હતા અને તેઓ ઇચ્છતા ન હતા કે તે દિવસ તેમના પોતાના તૂટેલા સંબંધોથી ખરડાઇ જાય.
હેરી ગુરૂવારના કાર્યક્રમ પૂર્વે ગયા અઠવાડિયે યુકે આવ્યા હતા જેથી તેમનું ક્વોરેન્ટાઇન પૂર્ણ થઇ શકે.
લંડનમાં ડાયેનાના ભૂતપૂર્વ ઘર, કેન્સિંગ્ટન પેલેસ ખાતેના સમારોહમાં ડાયનાના બહેનો લેડી સારાહ મેક’કોરક્વોડેલ અને લેડી જેન ફેલોઝ અને ભાઈ અર્લ સ્પેન્સરનું અભિવાદન કરતા જોવા મળ્યાં હતાં. સનકેન ગાર્ડનનાં ડિઝાઇનર પીપ મોરિસન સાથે શિલ્પકાર, ઇયાન રેંક-બ્રોડલી પણ સમારોહમાં હાજર રહ્યા હતાં.
ઑગસ્ટ 1997માં વિલિયમ માત્ર 15 વર્ષના અને હેરી માત્ર 12 વર્ષના હતા ત્યારે પ્રિન્સેસ ડાયેનાનું કાર અકસ્માતમાં મોત થયું હતું.
સનકેન ગાર્ડનને ફરીથી ડિઝાઇન માટે 4,000થી વધુ ફૂલોના છોડવા રોપવામાં આવ્યા હતા અને તે માટે 1000 કલાકનો સમય લાગ્યો છે. હાઈડ પાર્કની બાજુમાં લંડનના કેન્સિંગ્ટન ગાર્ડન્સ ખાતે આવેલ કેન્સિંગ્ટન પેલેસનો આ બગીચો શુક્રવારથી મુલાકાત માટે નિ:શુલ્ક ખુલ્લો રહેશે.