સદગુરુ સાથે સંવાદ
સદગુરુ: સ્ત્રી પુરુષ કરતાં શારીરિક રીતે નબળી હોવાથી પુરુષે તેને માનસિક રીતે નબળી બનાવવા, આધ્યાત્મિક રીતે પાછળ રાખવા અને આર્થિક રીતે તેના ઉપર અવલંબિત બનાવવા બધું જ કર્યું છે. જ્યાં સુધી પુરુષ સ્ત્રીઓને માન આપવાનું શીખશે નહીં, ત્યાં સુધી તે પોતાને ક્યારેય ઓળખશે નહીં – કારણ કે સ્ત્રી જ તેના અસ્તિત્વનો અડધો હિસ્સો છે.
ભારતીય આધ્યાત્મિકતામાં હંમેશા ચેતનાની ઊંચાઈએ પહોંચેલા પુરુષો અને સ્ત્રીઓનું સમૃદ્ધ મિશ્રણ રહ્યું છે. આંતરિક સ્વભાવની વાત કરીએ તો સ્ત્રી પુરુષ જેટલી જ સક્ષમ છે. તે માત્ર છાલ, શરીર છે, જેને તમે સ્ત્રી અથવા પુરુષ તરીકે કહો છો. અંદર જે છે તે જ છે. છાલ કોઈની આધ્યાત્મિક ક્ષમતાઓ શું છે તે નક્કી કરતી નથી. વૈદિક કાળથી જ, એવી ઘણી સ્ત્રીઓ છે જેઓ તેમની ચેતનાની ખૂબ ઊંચાઈએ પહોંચી છે.
પ્રાચીન સમયમાં સ્ત્રીઓ પણ જનોઈ પહેરતી હતી, કારણ કે તેના વિના, તેઓ શાસ્ત્રો વાંચી શકતી નહોતી. એક પુરુષની જેમ, તે લગ્નમાં દસથી વીસ વર્ષ જીવી શકતી હતી, અને જ્યારે તેને આધ્યાત્મિક જીવન જીવવાની ઇચ્છા થતી હતી, ત્યારે તે કુટુંબનો ત્યાગ કરી શકતી હતી. જો કે, અસંસ્કારી વિધર્મી, વિદેશી આક્રમણખોરોએ ભારત પર આક્રમણ કર્યું, ત્યારે સ્ત્રીઓએ ધીમે ધીમે તેમની સ્વતંત્રતા ગુમાવી દીધી. નિયમો બદલાવા લાગ્યા. કદાચ તે ચોક્કસ સમયગાળા માટે જરૂરી હતું, કારણ કે શારીરિક પરિસ્થિતિ એવી હતી કે મહિલાઓની પોતાની સલામતી માટે કેટલાક પ્રતિબંધો મૂકવા પડ્યા હતા. પરંતુ કમનસીબે તે કાયદો બની ગયો. તેથી સૌપ્રથમ વેદોમાં, સ્ત્રી માટે કહેવાયું કે તે જનોઈ પહેરી શકતી નથી. એવું પણ કહેવાયું હતું કે તેની મુક્તિ, અથવા અંતિમ મોક્ષ પ્રાપ્તિ તેના પતિની સેવાથી જ થઈ શકે છે. એવું પણ નક્કી કરાયું હતું કે ફક્ત પુરુષ જ સંસાર ત્યાગ કરી શકે છે, સ્ત્રી નહીં.
કમનસીબે, આજે પણ આ સ્થિતિ યથાવત છે. સ્ત્રીને કહેવામાં આવે છે કે તેનો જન્મ ફક્ત તેના પિતા અથવા તેના પતિની સેવા કરવા માટે થયો છે. જે લોકો અદ્વૈત, અસ્તિત્વની અદ્વિતિયતા વિશે વાત કરે છે, તેઓએ આ શીખવ્યું છે, “બધું એક છે, પરંતુ સ્ત્રીઓમાં ઉણપ છે.” પુરૂષ પોતે જાણે છે કે તેનું અસ્તિત્વ સ્ત્રી ઉપર નિર્ભર છે, તેમછતાં જો તે તેને સ્વીકારી પણ ન શકે, તો અસ્તિત્વમાં રહેલા તમામ બેવડા અભિગમની સ્વિકૃતિનો તો પ્રશ્ન જ નથી રહેતો. લઘુતા કે શ્રેષ્ઠતાનો પ્રશ્ન પૂર્વગ્રહયુક્ત મનમાં જ આવે છે. તે માત્ર બે ગુણોનો પ્રશ્ન છે. જે સ્ત્રીમાંથી પુરુષનો જન્મ થયો છે તે જો નીચ છે, તો પુરુષ કેવી રીતે ચડિયાતો હોઈ શકે? એવી શક્યતા જ નથી. આ સમસ્યા સાર્વત્રિક છે. આવું વિચારવું માત્ર એક માણસની વાત નથી. તે પુરૂષની જીવનશૈલી બની ગઈ છે, તેની સંસ્કૃતિ અને ધર્મનો એક ભાગ છે.
એકવાર, એક ચોક્કસ સમાજ સુધારક સ્વામી વિવેકાનંદ પાસે ગયો અને પૂછ્યું, “તમે પણ સ્ત્રીઓને સમર્થન આપો છો તે ઘણું સારૂં છે. હું તેમને સુધારવા માંગુ છું, તે માટે હું શું કરી શકું”. સ્વામી વિવેકાનંદે કહ્યું, “દૂર જ રહેવું. તમારે તેમના વિશે કંઈ કરવાની જરૂર નથી; ફક્ત તેમને એકલા છોડી દો. તેઓ જે કરવાનું છે તે કરશે.” આ બધું જ જરૂરી છે. એવું નથી કે પુરુષે સ્ત્રીને સુધારવાની છે. જો તે ફક્ત મોકળાશ આપે, તો સ્ત્રીઓ જે કરવાનું છે તે કરશે.
સામાન્ય રીતે, સ્ત્રીનું સ્ત્રીત્વ તેને અસરકારક અધિપતિ બનવા દેશે નહીં. પરંતુ તે ચીંધેલા માર્ગે અનુસરવામાં ખૂબ જ સારી છે. પુરૂષ ઘણું બધું કરી શકે છે, પરંતુ તેની સ્વિકાર શક્તિ ઓછી છે. પુરૂષ પોતાની જાતને તૈયાર કરી શકે છે, પરંતુ સ્ત્રીમાં તો તે કુદરતી ગુણ, ક્ષમતા છે. તેથી જ્યાં પણ કોઈ અધિપતિ હશે ત્યાં વધુ મહિલાઓ એકત્ર થશે, ફક્ત એટલા માટે કે તેઓ અનુગ્રહણ માટે વધુ યોગ્ય છે. કેટલાક સ્ત્રીઓ ખૂબ જ અદભૂત અધિપતિઓ હતી, પરંતુ તેઓ એક અલગ પ્રકારની છે. સ્ત્રીઓ પુરુષની જેમ વર્તી શકતી નથી. તેમને સમાજમાં ચોક્કસ પ્રકારની પરિસ્થિતિ, ચોક્કસ પ્રકારની સહાયક વ્યવસ્થા શોધવાની હોય છે. સમાજે ક્યારેય સ્ત્રીને અધિપતિ તરીકે ટેકો આપ્યો નથી.
ખાસ કરીને પશ્ચિમમાં, જ્યારે પણ કોઈ સ્ત્રી તેનું શાણપણ દાખવવાનું શરૂ કરતી, ક્યાંય પણ એક સ્ત્રીને સામાન્ય લોકો કરતાં કંઈક વધુ પ્રાપ્ત થવાનું શરૂ થતું, ત્યારે તેને ડાકણ તરીકે ખપાવી દેવાતી અને પછી જીવતી જલાવી દેવામાં આવતી.
જો કે, એવી કેટલીક સ્ત્રીઓ છે જેમનામાં મોટા ભાગના પુરુષો કરતાં વધુ પૌરૂષત્વની આગ હોય છે. આવી સ્ત્રીઓને સામાજિક સમર્થન મળે તો તેઓ અદભૂત અધિપતિ બની શકે. આવા કેટલાક લોકો રહ્યા છે, પરંતુ માનવ ઇતિહાસની આટલી સદીઓમાં, તેમને ક્યારેય આ પ્રકારનો ટેકો મળ્યો નથી. કદાચ ભવિષ્યમાં, તે શક્ય હોવું જોઈએ. આધ્યાત્મિક ગુરુ તરીકે ઘણી સ્ત્રીઓ હોઈ શકે છે.
– Isha Foundation