પુખ્ત વયના લોકોમાં થતા ટાઇપ 2 ડાયાબિટીસના પ્રારંભિક સંકેતો આઠ વર્ષની ઉંમરથી દેખાવા લાગે છે એમ બ્રિસ્ટોલ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં જણાયું છે. અભ્યાસના આ તારણો બીમારીમાં દખલ કરવાની તકોને લંબાવી શકે છે અને રોગની ગંભીર આડઅસરોને અટકાવી શકે છે.
90ના દાયકામાં 8, 16, 18 અને 25 વર્ષની વયના 4,000થી વધુ બાળકો અને યુવાનોના લોહીના નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં ડાયાબિટીસ થવાની શક્યતા ધરાવતા જનીનો વિશે પરીક્ષણો કરવામાં આવ્યા હતા.
જેમને મોટી વયે ડાયાબિટીસ થવાનું જોખમ હતુ તેવા બાળકોમાં આઠ વર્ષની ઉંમરે “ખરાબ” એલડીએલ કોલેસ્ટરોલનુ પ્રમાણ વધારે અને “સારા” એચડીએલ કોલેસ્ટરોલનુ પ્રમાણ ઓછું હતું. 16 અને 18 વર્ષની વય સુધીમાં તેમનામાં બળતરા અને એમિનો એસિડનું પ્રમાણ વધુ હતું.
યુકેમાં 3.9 મિલિયન લોકોને ડાયાબિટીઝ હોવાનું નિદાન થયું છે, જેમાંથી મોટા ભાગના લોકોને ટાઇપ-2 છે અને 1996માં માત્ર 1.4 મિલિયન હતી. ડાયાબિટીઝ યુકેનો અંદાજ છે કે ડાયાબિટીઝવાળા લોકોની સાચી સંખ્યા 4.7 મિલિયન હોઈ શકે છે. જેના કારણે દર અઠવાડિયે 500 અકાળ મૃત્યુ, 169 બનાવોમાં અંગો કાપવાના, 680 સ્ટ્રોક અને લગભગ 2,000 હાર્ટ ફેઇલ્યોરના કેસ બને છે. આ સંશોધન જર્નલ ડાયાબિટીઝ કેરમાં પ્રકાશિત થયું હતું.