સાઉથ લંડનના સટનની રોબિન હૂડ જુનિયર સ્કૂલમાં ભણતો 11 વર્ષનો ધ્રુવ કુમાર ગત એપ્રિલમાં 162નો આકાશને આંબતો સ્કોર કર્યા બાદ ઊંચો IQ ધરાવતા લોકોની સોસાયટી મેન્સામાં જોડાયો છે.
મેન્સા એવા લોકોને સ્વીકારે છે કે જેઓ માન્ય બુદ્ધિ પરીક્ષણમાં સામાન્ય વસ્તીના ટોચના 2%ની અંદર સ્કોર કરે છે. ડિસેમ્બરમાં 11 વર્ષનો થનાર ધ્રુવ ચેલ્સીનો મોટો ચાહક છે અને તે ઇનફન્ટ સ્કૂલમાં હતો ત્યારે તેને સ્પેશ્ય એજ્યુકેશન નીડ (વિશેષ શૈક્ષણિક જરૂરિયાત) હોવાનું નિદાન થયું હતું.
21 વર્ષ પહેલાં ભારતથી લંડન આવેલા તેના પિતા પ્રવીણ કુમારે કહ્યું હતું કે “એક પરિવાર તરીકે, અમને તેના પર ખૂબ ગર્વ છે. હું તેના પિતા બનવા માટે ખૂબ નસીબદાર છું. તે યર 2માં તેના ક્લાસમાં લગભગ તળિયે હતો. હું અંદરથી રડતો હતો, હું માત્ર ઇચ્છતો હતો કે તે એક સરેરાશ છોકરો બને અને સામાન્ય જીવન જીવે. તેના શિક્ષકોએ કહ્યું હતું કે તે કંઈપણ શીખતો નથી. પણ આજે તે સંપૂર્ણપણે બદલાઈ ગયો છે.’’
1946માં સ્થપાયેલ અને “વિશ્વની અગ્રણી ઉચ્ચ IQ સોસાયટી” તરીકે ઓળખાતી સંસ્થા ‘મેન્સા’ વિશ્વભરના 140,000 લોકોને સભ્ય તરીકે ગણે છે – જેમાં યુકે અને આઇરિશ રિપબ્લિકના 18,000 લોકોનો સમાવેશ થાય છે.
ધ્રુવે જે સ્કોર મેળવ્યો છે તે ખૂબ જ સારો છે અને તે દર્શાવે છે કે તેની પાસે મોટી ક્ષમતા છે.