ભારતીય ટીમનો યશસ્વી, ભૂતપૂર્વ સુકાની મહેન્દ્ર સિંહ ધોની હાલમાં પરિવાર સાથે અમેરિકામાં રજાઓ માણી રહ્યો છે. ધોનીની આ અમેરિકા યાત્રાનો એક યાદગાર પ્રસંગ બની રહ્યો ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ગોલ્ફ રમવાનો. મળતા અહેવાલો મુજબ ટ્રમ્પે ખાસ ધોની માટે આ ગોલ્ફ મેચનું આયોજન કર્યું હતું અને બન્નેએ એક કલાક જેટલો સમય આ રમતનો આનંદ લીધો હતો. ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી ધોની અવારનવાર ગોલ્ફ રમતો હોય છે.
આ ઉપરાંત, ધોનીએ ગયા સપ્તાહે પુરી થયેલી ટેનિસની ગ્રાંડ સ્લેમ સ્પર્ધા – યુએસ ઓપનની એક મેચ પણ નિહાળી હતી. ધોનીની લોકપ્રિયતા હજુ એ હદે જળવાઈ રહી છે કે, યુએસ ઓપન ટેનિસના સત્તાવાર ટીવી બ્રોડકાસ્ટરે ધોની અને તેના મિત્રો મેચ નિહાળી રહ્યા હોવાનું થોડું સ્પેશિયલ કવરેજ પણ કર્યું હતું અને તેના સોશિયલ મીડિયા હેન્ડલ ઉપર એ વિડિયો રજૂ પણ કર્યો હતો.