સુરતના ભૂતપૂર્વ ધારાસભ્ય અને પાટીદાર નેતા ધીરૂ ગજેરા આગામી સપ્તાહ આશરે 200 કાર્યકરો સાથે ભાજપમાં ઘરવાપસી કરશે. ભાજપ સુરતમાં તેમને આમ આદમી પાર્ટીના નેતા મહેશ સવાલી સામે મેદાનમાં ઉતારે તેવી શક્યતા છે.
ધીરુ ગજેરા 1995થી 2007 સુધી ભાજપ સાથે રહ્યા બાદ ધારાસભ્ય પણ બન્યા હતા. પરંતુ 2007માં તેમણે ભારતીય જનતા પાર્ટીથી છેડો ફાડીને કોંગ્રેસની કંઠી ધારણ કરી હતી. અલબત્ત, 2017માં વિધાનસભાની ચુંટણીમાં વરાછા બેઠક પરથી ચુંટણીમાં ઝંપલાવનાર ધીરૂ ગજેરાને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.
સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર ભાજપના પ્રદેશ પ્રમુખ અને નવસારી સાંસદ સી આર પાટીલની હાજરીમાં ધીરૂ ગજેરા 200થી વધુ કાર્યકરો સાથે ભાજપમાં જોડાઈ શકે છે અને આ ઘટનાક્રમને પગલે વરાછા સહિતના સૌરાષ્ટ્રવાસી વિસ્તારોમાં આમ આદમી પાર્ટીને ટક્કર આપવા માટે ધીરૂ ગજેરાનું કાર્ડ ભાજપ દ્વારા ખેલવામાં આવી તેવી પણ શક્યતાઓ છે.
ભારતીય જનતા પાર્ટીમાં પોતાની ઘર વાપસીને સમર્થન આપતાં સૌરાષ્ટ્ર સમાજના અગ્રણી નેતા ધીરૂ ગજેરાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીનું નેતૃત્વ દિશાવિહીન નજરે પડી રહ્યું છે. કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા બાદ એક પછી એક ચાર ચુંટણીમાં કારમી હાર મળતાં મારા શુભેચ્છકો દ્વારા મારા રાજકીય ભવિષ્ય અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી હતી. જે અંગે ભારે મનોમંથન બાદ અંતે ભારતીય જનતા પાર્ટીમાં પુનઃ ઘરવાપસીનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં પુરી તાકાત સાથે તમામ બેઠકો પરથી ચુંટણી જંગમાં ઝંપલાવવાનો નિર્ણય લેનાર આમ આદમી પાર્ટીમાં એક પછી એક મોટા માથાઓ જોડાઈ રહ્યા છે ત્યારે હવે સૌરાષ્ટ્રવાસી અગ્રણી અને કોંગ્રેસી નેતા ધીરૂ ગજેરાની ઘર વાપસીને ભાજપનો માસ્ટર સ્ટ્રોક ગણવામાં આવી રહ્યો છે.