યુકેના પ્રથમ પાઘડી પહેરતા લેબર સાંસદ તન્મનજીત સિંહ ઢેસીએ 1984માં અમૃતસરના સુવર્ણ મંદિરમાં તે સમયની ભારત સરકાર દ્વારા કરવામાં આવેલા ઓપરેશન બ્લુ સ્ટારની લશ્કરી કાર્યવાહીની 36મી વર્ષગાંઠે તે ઓપરેશનમાં માર્ગારેટ થેચર સરકારની સંડોવણી અંગેની સ્વતંત્ર તપાસ માટે ગુરૂવારે તા. 4ના રોજ હાઉસ ઑફ કૉમન્સમાં મુદ્દો ઉઠાવી આ મુદ્દે ચર્ચા માટે હાકલ કરી હતી.
સુવર્ણ મંદિર સંકુલની અંદર બેઝ ઉભો કરનાર આતંકવાદી ધાર્મિક નેતા જર્નેઇલ સિંહ ભિંદરાનવાલે અને તેમના સશસ્ત્ર અનુયાયીઓને બહાર કાઢવાનો આદેશ આપવામાં આવતા જૂન 1984ના પ્રથમ અઠવાડિયામાં ભારતીય સેનાને ઓપરેશન બ્લુ સ્ટાર નામથી લશ્કરી કાર્યવાહી આદરી હતી.
સ્લાઉના સાંસદ ઢેસીએ જણાવ્યું હતું કે “તે સમયના ભારતીય વડા પ્રધાન, ઇન્દિરા ગાંધીએ સૌથી વધુ આદરણીય શીખ ધર્મસ્થળ, અમૃતસરના સુવર્ણ મંદિર સંકુલ પર ઘૃણાસ્પદ હુમલો કરવાનો આદેશ આપ્યો તેના આ અઠવાડિયે 36 વર્ષ પૂરા થયા છે. આ કામગીરીથી ઐતિહાસિક માળખાનો વિનાશ અને શીખોનો નરસંહાર થયો હતો તેમજ શીખ રેફરન્સ લાયબ્રેરી સળગી ગઇ હતી. શીખો 1984ને ક્યારેય ભૂલી શકતા નથી.’
તેમણે જણાવ્યું હતું કે “તાજેતરના ઘટસ્ફોટ બાદ બ્રિટિશ શીખ સમુદાયે કરેલી માંગણીને લેબર પાર્ટી અને અન્ય વિરોધી પક્ષોના સમર્થન બાદ પણ થેચર સરકારની સંડોવણી અંગે સ્વતંત્ર તપાસ હજી શરૂ થઈ નથી. મને ખાતરી છે કે ગૃહના નેતા સંમત થશે કે તે અત્યાચારી હતુ અને ઘણા હજી પણ ન્યાય માટે સંઘર્ષ કરે છે.”
સરકાર વતી પ્રતિક્રિયા આપતા, કૉમન્સના નેતા, જેકબ રીસ-મોગે કહ્યું હતું કે, ‘’આ મહત્વપૂર્ણ વર્ષગાંઠ છે. ઢેસી દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોની ચર્ચા એડજર્નમેન્ટ ડીબેટ દરમિયાન થવી જોઈએ. પરંતુ મને પૂરો વિશ્વાસ છે કે યુકેના અત્યાર સુધીના મહાન નેતાઓમાંના એક માર્ગારેટ થેચરે યોગ્ય વર્તન કર્યુ હશે.”
ઓપરેશન બ્લુ સ્ટાર પહેલાં બ્રિટિશ સૈન્યે ભારતીય દળોને સલાહ આપી હોવાનું બહાર આવ્યા બાદ વિરોધનો વંટોળ ઉઠ્યો હતો. તત્કાલીન બ્રિટિશ વડા પ્રધાન ડેવિડ કેમેરોને આંતરિક સમીક્ષાનો આદેશ આપ્યો હતો, જેના પગલે સંસદમાં નિવેદન આપવામાં આવ્યું હતું કે બ્રિટનની ભૂમિકા સંપૂર્ણ રીતે “સલાહકાર” તરીકેની રહી હતી. સ્પેશિયલ એર સર્વિસની સલાહની ઓપરેશન બ્લુ પર “મર્યાદિત અસર” પડી હતી.