ધર્મેન્દ્ર અને હેમા માલિનીની પુત્રીના 12 વર્ષના લગ્નજીવનનો અંત આવી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી ઇશા દેઓલ અને તેના પતિ ભરત તખ્તાની વચ્ચે ઝઘડો હોવાના સમાચારો વહેતા થયા હતા, એવામાં ઇશા અને ભરત બંનેએ એક સંયુક્ત નિવેદન બહાર પાડીને તેમના છૂટાછેડાના સમાચારોની પુષ્ટિ કરી હતી.
મીડિયા રીપોર્ટસમાં જણાવ્યા પ્રમાણે ભરત-ઇશાએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું છે કે “અમે બંનેએ પરસ્પર સંમતિથી છૂટા પડવાનો નિર્ણય લીધો છે. અમારી જીવનમાં આવેલા આ પરિવર્તનમાં અમારા બાળકો માટે શું યોગ્ય છે તે અમારા માટે વધારે મહત્વનું છે. અમારી અંગત બાબતોનું સન્માન જળવાય તે અપેક્ષિત છે.”
ઘણા સમયથી જાહેરમાં એકસાથે ન દેખાવાને કારણે બંનેના છૂટાછેડાની અટકળો વહેતી થઇ હતી. સોશિયલ મીડિયામાં ઘણા લોકોએ ભરતનો એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે બેંગલોરમાં યોજાયેલી એક પાર્ટીમાં એક યુવતી સાથે ડાન્સ કરતો જોવા મળ્યો હતો. જોકે, હજુ સુધી બંનેના છૂટાછેડા વિશે દેઓલ પરિવાર તરફથી કોઇ અધિકૃત નિવેદન આપવામાં આવ્યું નથી. એશાએ 29 જૂન 2012ના રોજ ભરત તખ્તાની સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન ઈસ્કોન મંદિરમાં ખૂબ જ સાદગીથી યોજાયા હતા.
આ લગ્નમાં દેઓલ પરિવારની ખુશી જોવા લાયક હતી. દીકરીને વિદાઇ થતી જોઈને ધર્મેન્દ્રના આંસુ નીકળી પડ્યા હતા. તેમની તસવીર અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા. લગ્નના પાંચ વર્ષ પછી આ દંપત્તીને ત્યાં પુત્રી રાધ્યાના જન્મ થયો હતો અને 2019માં ઈશાએ તેમની બીજી પુત્રી મીરાયાને જન્મ આપ્યો હતો. લગભગ મિરાયાના જન્મ પછી જ બંને વચ્ચેના સંબંધોમાં વિવાદ ઊભો થયો હતો. જોકે, ઇશાએ જૂન 2023માં પતિ ભરત સાથે રોમાન્ટિક ફોટો શેર કરતા લગ્નની 11મી વર્ષગાંઠની શુભેચ્છા આપી હતી.
છેલ્લા કેટલાક સમયથી ઇશા નાના-મોટા કાર્યક્રમોમાં એકલી જ જોવા મળતી હતી. દિવાળીની અલગ અલગ પાર્ટીઓમાં પણ તે એકલી જ જતી હતી. એટલું જ નહીં, હેમા માલિનીના 75મા જન્મદિનની ઉજવણીમાં પણ ભરત જોવા મળ્યો નહોતો. તેનાથી તેમની વચ્ચે બધું સારું ન હોવાની અફવાઓને વધુ વેગ મળ્યો હતો.
ઇશા દેઓલે એક પુસ્તક લખ્યું છે જેમાં તેણે બંને પુત્રીઓના ઉછેર, પોતાના પુસ્તકનું પ્રકાશન, અન્ય પ્રોફેશનલ કમિટમેન્ટ્સ વચ્ચે પતિ ભરતને પૂરતો સમય ન આપી શકતી હોવાની વાત કબૂલ કરી હતી.