અદાણી ગ્રૂપને આપવામાં આવેલા ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટના મુદ્દે મોદી સરકારની આકરી ટીકા કરતાં કોંગ્રેસે જણાવ્યું હતું કે સામાન્ય જનતાના ભોગે એક ગ્રૂપ કેવી રીતે સમૃદ્ધ બની રહ્યું છે તેનું તે એક ઉદાહરણ છે. શાસક પક્ષના સંપૂર્ણ સમર્થન સાથે આધુનિક ભારતમાં સૌથી મોટી લૂંટ ચાલુ છે. આ પ્રોજેક્ટ સામે મુંબઈમાં વિરોધ પ્રદર્શન થયાના એક દિવસ બાદ કોંગ્રેસને આ હુમલો કર્યાં હતાં.
અગાઉ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આ પ્રોજેક્ટને વિશ્વનું સૌથી મોટું ટ્રાન્સફર ઓફ ડેવલપમેન્ટ રાઈટ્સ(TDR) કૌભાંડ ગણાવ્યું હતું. એક નિવેદનમાં કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે આક્ષેપ કર્યો હતો કે “મોદાણી મેગા સ્કેમ”ની અનોખી ક્વોલિટી માત્ર એ નથી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના “ગાઢ મિત્રો” તરફ લાખો કરોડો વહાવી રહ્યાં છે અને મોદી-મેઇડ મોનોપોલી (3M) બનાવી રહ્યાં છે, પરંતુ તે પૈસા સીધા સામાન્ય ભારતીયોના ખિસ્સામાંથી આવી રહ્યા છે.
તેમણે જણાવ્યું હતું કે આપણે પહેલાથી જ જાણીએ છીએ કે ઓવર-ઇન્વોઇસ્ડ કોલસાની આયાતનો મોંઘો ખર્ચ લાખો વીજ ગ્રાહકો ભોગવી રહ્યાં છે અને મધ્યમ વર્ગના પ્રવાસીઓ મોદાણીના એરપોર્ટના ઊંચા ચાર્જ ચૂકવી રહ્યાં છે. તે હવે વધુ સ્પષ્ટ થઈ રહ્યું છે કે ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટના સાચા લાભાર્થી મુંબઈ કે ધારાવીના લોકો નથી, પરંતુ પીએમના સૌથી નજીકના મિત્ર છે. દેવેન્દ્ર ફડણવીસ તેમને મદદ કરી રહ્યાં છે. વાસ્તવિકતા એ છે કે ધારાવી પ્રોજેક્ટના પરિણામે અદાણી ગ્રૂપને જંગી 10.5 કરોડ ચોરસ ફૂટ રિયલ એસ્ટેટ ટ્રાન્સફરેબલ ડેવલપમેન્ટ રાઇટ્સ(TDR) આપવામાં આવ્યાં છે, જે ધારાવીના વિસ્તારના 6-7 ગણા છે.
બીજી તરફ અદાણીના ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટના પ્રવક્તાએ શનિવારે જણાવ્યું હતું કે ધારાવી સ્લમ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ અગાઉની કોંગ્રેસ-શિવસેના ગઠબંધન સરકાર (મહાવિકાસ અઘાડી અથવા MVA) દ્વારા ન્યાયી અને ખુલ્લા આંતરરાષ્ટ્રીય બિડિંગ દ્વારા આપવામાં આવ્યો હતો.