અમદાવાદ જિલ્લાના ધંધુકામાં ગત મંગળવાર, (25 જાન્યુઆરી) કથિત હિન્દુવાદી યુવક કિશન ભરવાડની હત્યાથી સમગ્ર ગુજરાતમાં ચકચાર વ્યાપી હતી. હિન્દુવાદી સંગઠન સાથે સંકળાયેલા કિશન ભરવાડે સોશિયલ મીડિયા પર મૂકેલી એક પોસ્ટ બાદ હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. આ હત્યાને પગલે ધંધુકા, રાજકોટ, પોરબંદર, રાધનપુરના શેરગઠ, સિદ્ધપુર સહિતના વિવિધ સ્થળોએ હિન્દુ સંગઠનો તેમ જ લોકોએ રેલીઓ કાઢી હતી. રાજકોટમાં તો રેલી હિંસક બની હતી. આ ઘટના બાદ ગુરુવારે ધંધુકામાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું
દિલ્હી અને અમદાવાદમાંથી બે મૌલવી સહિત ચારની ધરપકડ
આ હત્યા કેસમાં ગુજરાત પોલીસે શબ્બીર (25 વર્ષ) અને ઇમ્તિયાઝ (2ક્ષ)ની નામના બે શખ્સની ધરપકડ કરી હતી. આ હત્યા કેસમાં અમદાવાદના જમાલપુરના મૌલાના ઐયુબની ધરપકડ કરવામાં આવી હતી. દિલ્હીથી મૌલાના કમર ગની ઉસ્માનીની અટકાયત કરીને તેની પુછપરછ કરવામાં આવી રહી હતી. મૌલાના કમર ગની ઉસ્માની તહેરીકે-ફરોકે- ઇસ્લામીક સંગંઠનનો પ્રમુખ છે. જમાલપુરના મૌલાના ઐયુબનો શબ્બીર સાથેનો સંપર્ક કમરગની ઉસ્માનીએ જ કરાવ્યો હતો અને કહ્યું હતું કે ગુજરાતમાં કોઇ ઇસ્લામ કે પયગંબર વિરૂધ્ધ બોલે કે પોસ્ટ મુકે તેને સજા અપાવવા માટે મૌલાના ઐયુબ મદદ કરશે. જેથી શબ્બીર મૌલાનાના સંપર્કમાં રહેતો હતો. આ હત્યાનું પાકિસ્તાનનું સંભવિત કનેકશન બહાર આવતા એટીએસ દ્વારા અલગ અલગ ટીમ બનાવીને તપાસ શરૂ કરવામાં આવી હતી.
આ હત્યાની ઘટનાથી માલધારી સમાજમાં રોષ ફેલાયો હતો. જ્યાં સુધી આરોપી નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં નહીં આવે તેવી માંગ કરવામાં આવી હતી. જોકે આગેવાનો અને પોલીસની સમજાવટ બાદ મૃતદેહ સ્વીકારી લેવામાં આવ્યો હતો. તથા વિસ્તારમાં બંધ પાળવામાં આવ્યો હતો.
ધંધુકામાં કિશન ભરવાડની હત્યાના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર રાજ્યમાં પડ્યા હતા. ઠેરઠેર ન્યાયની માંગ ઉઠી હતી. પોરબંદરના અલગ અલગ સમાજ અને હિન્દુ સંગઠન દ્વારા અંદાજે 1500થી 1600 જેટલા આગેવાનો યુવકો બાઈક સાથે કલેકટર કચેરી પહોંચ્યા હતા અને જિલ્લા કલેકટરને આવેદન પાઠવી ન્યાયની માંગ કરી હતી. અને આંતકી પ્રવૃત્તિ ડામવા રજુઆત કરી હતી. ચકચારી કિશન ભરવાડ મર્ડર કેસમાં કથિત હત્યારાને રિવોલ્વરની વ્યવસ્થા એક મૌલવીએ કરી આપી હોવાનું નિવેદન ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ આપ્યું હતું.