ધંધુકાના ચકચારી કિશન ભરવાડ મર્ડર કેસમાં કથિત હત્યારાને રિવોલ્વરની વ્યવસ્થા એક મૌલવીએ કરી આપી હોવાનું નિવેદન ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ આપ્યું હતું. આ મૌલવીની પણ ગુરુવાર રાત્રે અમદાવાદ જિલ્લા પોલીસે ધરપકડ કરી હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે, હત્યારાને રિવોલ્વર અને પાંચ કારતૂસ અમદાવાદના મૌલવી દ્વારા આપવામાં આવ્યા હતા. આ કેસની તપાસ ગુજરાત એટીએસ અને અમદાવાદ ક્રાઈમ બ્રાંચ કરી રહ્યા છે. કિશન ભરવાડના હત્યારાને સજા અપાવવા માટે રાજ્યના સારામાં સારા વકીલને સરકાર રોકશે તેવું નિવેદન પણ સંઘવીએ ધંધુકામાં આપ્યું હતું.
શુક્રવારે ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવી મૃતક કિશન ભરવાડના પરિવારને સાંત્વના આપવા માટે ધંધુકા પહોંચ્યા હતા. તેમણે મૃતકની 20 દિવસની દીકરીને પણ પોતાના હાથમાં લઈને મૃતકના પરિવારને ન્યાય અપાવવા આશ્વાસન આપ્યું હતું. આજે માલધારી સમાજના લોકો પણ મોટી સંખ્યામાં કિશન ભરવાડના ઘરે પહોંચ્યા હતા.
કિશન ભરવાડની મંગળવાર, 25 જાન્યુઆરીએ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, મૃતક પોતાના મિત્ર સાથે બાઈક પર બેસીને જઈ રહ્યા હતા ત્યારે તેમના પર બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાંથી એક ગોળી તેમને વાગતા તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા. તેમની અંતિમ યાત્રા ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બુધવારે કાઢવામાં આવી હતી. આ ઘટના બાદ ગુરુવારે ધંધુકામાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું, અને સમગ્ર શહેરમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. બીજી તરફ, શુક્રવારે આ ઘટનાના વિરોધમાં રાણપુરમાં મૌન રેલી નીકળી હતી. શહેરમાં હિન્દુવાદી સંગઠનોએ બંધનું એલાન આપ્યું હતું તેમજ મામલતદારને પણ ન્યાયની માગ સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
હિન્દુવાદી સંગઠન સાથે સંકળાયેલા કિશન ભરવાડે સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી એક પોસ્ટ બાદ હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. આ જ પોસ્ટ મૂકવા બદલ ભરવાડ સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી, જેના અનુસંધાનમાં તેમની ધરપકડ કરીને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. જોકે, તેમના પરિચિતો અને તેમની સાથે સંકળાયેલા લોકોના જણાવ્યા અનુસાર, કિશન ભરવાડને મારી નાખવાનું કાવતરું રચવામાં આવ્યું હતું, જેને મંગળવારે અંજામ આપવામાં આવ્યો હતો.