“ધામેચા પરિવાર” દ્વારા મુ. શ્રી ખોડીદાસભાઇ ધામેચા, મુ. શ્રી જયંતીભાઈ ધામેચા અને ચિ. વિષા ભારતીની પુણ્યતિથિ પ્રસંગે રવિવાર તા. ૨૮ જૂન, ૨૦૨૦ના રોજ જલારામ મંદિર ગ્રીનફર્ડ ખાતેથી પૂજ્ય આચાર્ય શ્રી પલકેશભાઇ ત્રિવેદીના શ્રીમુખે શ્રીમદ્ ભાગવદ સપ્તાહ જ્ઞાનયજ્ઞનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
કોરોનાવાયરસના કારણે સરકારના નિયંત્રણોને પગલે યોજાયેલી આ કથાનો લાભ માત્ર યુ-ટ્યુબ પર જ 3,000 જેટલા પરિવારો દ્વારા લેવામાં આવ્યો હતો. કથાના પ્રારંભે ધામેચા પરિવારની મહિલાઓએ મંદિર પરિસરમાં પોથીયાત્રામાં ભાગ લીધો હતો અને કથા હોલમાં પરિવારની મહિલાઓ દ્વારા તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
કથા પૂર્વે ધામેચા પરિવારના શ્રી પ્રદિપભાઇ ધામેચા દ્વારા આચાર્ય શ્રી પુલકેશભાઇ ત્રિવેદી ને પરિવારના સભ્યો દ્વારા ફૂલહાર અને તિલક કરીને સ્વાગત કરાયું હતું. પ્રદિપભાઇ ધામેચાએ ટૂંકા વક્તવ્યમાં પોતાના પિતા ખોડીદાસભાઇ ધામેચા, કાકા મુ. શ્રી જયંતીભાઈ ધામેચા અને ભાણેજ ચિ. વિષા ભારતીની પુણ્યતિથિ પ્રસંગે યોજાયેલી કથામાં સૌનું સ્વાગત કરી સૌને ઉમળકાભેર ભાગ લેવા અપીલ કરી હતી. કથાના ઉદ્ઘોષક તરીકે લેસ્ટરથી નિલેશભાઇ સામાણીએ સેવા આપી હતી.
આ કથાનું લાઈવ પ્રસારણ આસ્થા ચેનલ પર યુકે (સ્કાય 724), યુએસ (ડીશ નેટવર્ક 719) અને કેનડા (ATN નેટવર્ક) પરથી થઇ રહ્યું છે. આ કથાનું http://Jalaram.tv પરથી જીવંત – વેબકાસ્ટ પ્રસારણ કરવામાં આવી રહ્યુ છે. આ કથાનો લાભ તા. 29 જુનથી તા. 5 જુલાઇ દરમિયાન ભારતમાં પણ મળશે.
સૌ લોહાણા શ્રેષ્ઠીઓને સપરિવાર ભક્તિ યજ્ઞનો લાભ લેવા ધામેચા પરિવાર તરફથી હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે.