ધામેચા પરિવાર દ્વારા યોજાયેલી શ્રીમદ્ ભાગવદ સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આનંદ ઉલ્લાસપૂર્વક સમાપન

0
767
પ્રસ્તુત તસવીરમાં આગળની હરોળમાં વડીલો: શાંતિભાઇ ધામેચા, કુમુદબેન ધામેચા, લલિતાબેન ધામેચા, પાછળ: આનંદભાઇ ધામેચા, વીણાબેન ધામેચા, પ્રદિપભાઇ ધામેચા, કેન્દ્રમાં કથાકાર આચાર્ય શ્રી પલ્કેશભાઇ ત્રિવેદી, તસવીરમાં જમણી બાજુ રિધ્ધી કોટેચા, રાધિકા ઠકરાર, જય ઠકરાર, કીર્તિ ધામેચા, મનીષ ધામેચા અને સુષ્મા ગંગાણી નજરે પડે છે.

દાતા અને શ્રેષ્ઠી મુ. શ્રી ખોડીદાસભાઇ ધામેચા, મુ. શ્રી જયંતીભાઈ ધામેચા અને  ચિ. વિષા ભારતીની પુણ્યતિથિ પ્રસંગે “ધામેચા પરિવાર” દ્વારા જલારામ મંદિર ગ્રીનફર્ડ ખાતે પૂજ્ય આચાર્ય શ્રી પલકેશભાઇ ત્રિવેદીના શ્રીમુખે યોજવામાં આવેલી શ્રીમદ્ ભાગવદ સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આનંદ ઉલ્લાસપૂર્વક તા 4 જુલાઇના રોજ સમાપન થયું હતું. શ્રીમદ્ ભાગવદ સપ્તાહનો વિશ્વભરના વિવિધ દેશોમાં ભક્તિભાવપૂર્વક લાભ લેવામાં આવ્યો હતો અને જાણે કે ઘરેઘરે જ્ઞાનયજ્ઞ પ્રજ્જવલિત થયો હતો.

ત્રીજા દિવસની કથામાં પલકેશભાઇ ત્રિવેદીએ દ્વિતીય સ્કંધ સાધનલીલા, મંગલાચરણ, ચતુશ્લોકી ભાગવત તેમજ ભાગવતના દશ અર્થોની સંક્ષિપ્ત ચર્ચા કરી હતી. તેમણે સ્કંધ ત્રીજા  – વિસર્ગલીલામાં વિદુરજીએ ધુતરાષ્ટ્રને પાંડવોના પાંચ બળ વિશે જે વિવરણ કર્યું હતું તેની પણ રજૂઆત કરી હતી. તે પાંચ બળ અટલે કે પિઠબળ, પુણ્યબળ, પિંડબળ, પ્રભુબળ, અને પ્રારબ્ધબળના પ્રતાપે જ તેઓ અજેય છે. વિદુરજીને ધુતરાષ્ટ્રે તિરસ્કૃત કર્યાના 12 વર્ષ પછી ભગવાન શ્રી કૃષ્ણએ તેમના ઘરે જઇને રોટલો અને તાંદળજાની ભાજી આરોગ્યા તેનું ખૂબ જ મનનીય વિવરણ પલ્કેશભાઇએ કર્યું હતું. તેમણે વિદુરજીના ચરિત્રસાર અને વિદુરજી તેમજ મૈત્રેયમુનિના મિલનને રજૂ કરતા કથા ગંગાને નવોજ વળાંક મળ્યો હતો.

ચોથા દિવસની કથામાં તેમણે ગજેન્દ્ર મોક્ષની કથા સંદર રીતે વર્ણવી હતી. શ્રી ખોડીદાસભાઇ ધામેચાને પણ તેમના અંતિમ સમયે તેમના પુત્ર પ્રદિપભાઇ ધામેચાએ આ કથા સંભળાવી હતી. આ વાત રજૂ કરતા કથાનો માહોલ ખૂબ જ સંવેદનશીલ બન્યો હતો. તેમણે સમુદ્રમંથન, વામનચરિત્ર તથા મત્સ્યાવતારની કથા સંભળાવી હતી. તેમણે કથામાં એકાદશીનું મહત્વ રજૂ કરતી અંબરિશ રાજાની કથા સંભળાવતા શ્રોતાઓ ગદગદ થઇ ગયા હતા.

પાંચમા દિવસની કથામાં ભાગવતનું મહત્વ મનાતા નિરોધલીલાના સ્કંધ 10નું નિરૂપણ કર્યું હતું. પલ્કેશભાઇએ પ.પૂ. ડોંગરેજી મહારાજની યાદો તાજી કરી તેમના ભાગવત કથા પ્રેમનું સ્મરણ કરી પુતના ચરિત્રને સંદર રીતે સમજાવ્યું હતુ. દામોદરલીલા, ગોવર્ધન પૂજા અને કથા મંડપના અન્નકૂટના દર્શન કરીને સૌને જાણે કથાનું ફળ મળ્યું હોય તેવી ભાવના જાગી હતી.

છઠ્ઠા દિવસે શાસ્ત્રી પલ્કેશભાઇએ કાલિનાગદમન લિલા વિશે વાત કરી બ્રહ્મસંબંધ વિશે વિવરણ કર્યું હતું. તમણે કંસવધથી લઇને, સાન્દિપની આશ્રમના અભ્યાસ, ઘણા જીવોના હિત માટે બનેલા ‘રણછોડ’ અને ગુજરાતના દ્વારિકાવાસ સુધીની કથાનું રસપાન કરાવ્યું હતું. કથામાં સૌએ રૂકમણી વિવાહ ઉત્સવ અને તે પ્રસંગે સંગીતમય લગ્નગીતોનો આનંદ માણ્યો હતો.

સાતમા દિવસે ભગવાન શ્રી કૃષ્ણના પરમ મિત્ર અંકિચન અને સાત્વિક ભક્ત સુદામા ચરિત્રનું નાટકીય સ્વરૂપ ઉજવાયું હતું. જેમાં કથાના રંગે રંગાયેલા પ્રદિપભાઇ ધામેચા ખુદ સુદામા બન્યા હતા તો તેમના પુત્ર આનંદ શ્રી કૃષ્ણ બન્યા હતા. નાટ્ય સ્વરુપમાં પણ પિતાના ચરણ પ્રક્ષાલનનું સુખ પુત્ર આનંદભાઇને મળતા પરિવારના સૌ કોઇની આંખો ભીની થઇ ગઇ હતી. આચાર્ય પલ્કેશભાઇએ રાજા પિરક્ષીત આત્માનું દર્શન કરતાં મોક્ષગતિને પામ્યા તેનું નિરૂપણ  કર્યું હતુ.

કથાના અંતે પલ્કેશભાઇએ યજમાન પરિવાર, મંદિરના બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ, આસ્થા ચેનલ અને સાતેય દિવસ કથાનું શ્રવણ કરનાર સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ કથાનું રસપાન કરવા માંગતા લોકો નીચેની યુ ટ્યુબ લિંક પર ક્લીક કરી ભવિષ્યમાં પણ કથાનું રસપાન કરી શકશે. https://youtu.be/IwGgXt7rqrA [Day-1] ;  https://youtu.be/VvNWbr2bVfM [Day-2] ; https://youtu.be/jhXqyzfC7Zg [Day-3] ; https://youtu.be/46Xa7CQxm3M [Day-4] ; https://youtu.be/wa0i6GlmeBE [Day-5] ; https://youtu.be/bLCHg5xFITw [Day-6] ; https://youtu.be/kCAQlW6D8nE [Day-7].