ધામેચા પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવદ સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન

0
1463

“ધામેચા પરિવાર” દ્વારા  મુ. શ્રી ખોડીદાસભાઇ ધામેચા, મુ. શ્રી જયંતીભાઈ ધામેચા અને  મુ. વિષા ભારતીની પુણ્યતિથિ પ્રસંગે આગામી રવિવાર તા. ૨૮ જૂન, ૨૦૨૦થી તા. ૪ જુલાઈ, ૨૦૨૦ દરમિયાન રોજ બપોરે ૧થી ૪ દરમિયાન જલારામ મંદિર ગ્રીનફર્ડ ખાતેથી પૂજ્ય પલકેશભાઇ ત્રિવેદીના શ્રીમુખે શ્રીમદ્ ભાગવદ સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કથાનું લાઈવ પ્રસારણ આસ્થા ચેનલ પર યુકે (સ્કાય 724), યુએસ (ડીશ નેટવર્ક 719) અને કેનડા (ATN નેટવર્ક) પરથી થશે. આ કથાનું http://Jalaram.tv પરથી જીવંત – વેબકાસ્ટ પ્રસારણ કરવામાં આવશે. આ કથાનો લાભ તા. 29 જુનથી તા. 5 જુલાઇ દરમિયાન ભારતમાં પણ મળશે જેની વિગતો હવે પછી જાહેર કરવામાં આવશે.

સૌ લોહાણા શ્રેષ્ઠીઓને સપરિવાર ભક્તિ યજ્ઞનો લાભ લેવા ધામેચા પરિવાર તરફથી હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ધામેચા કેશ એન્ડ કેરીના સ્થાપક અને સમાજ, ધર્મ, શિક્ષણ અને જનકલ્યાણ અર્થે ઉદારમને સખાવત કરનાર શ્રેષ્ઠી શ્રી ખોડિદાસભાઇ રતનશીભાઇ ધામેચાનું ગત તા. 14 ફેબ્રુઆરી 2020 શુક્રવારના રોજ વહેલી સવારે જામનગર ખાતે નિધન થયુ હતુ.  શ્રી ખોડિદાસભાઈ ખુબ જ નાના હતા ત્યારે જ તેમના પિતાશ્રીનું અવસાન થતાં સંઘર્ષમય જીવનમાં આપબળે વિકાસ કરી ભારતથી કેન્યા અને ત્યાંથી લંડન સ્થાયી થઇ ધામેચા કેશ એન્ડ કેરીનું વિશાળ સામ્રાજ્ય ઉભુ કર્યું હતું. માતા લાડુમાના સન્માનમાં સ્વ. ખોડીદાસભાઇ ધામેચા અને તેમના ભાઈઓએ લાડુમા ધામેચા ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી હતી જે  ટ્રસ્ટ ભારત, યુકે સહિત વિવિધ દેશોમાં સંસ્થાઓમાં વિપુલ સખાવત કરી રહ્યુ છે.