એર ઇન્ડિયાની ન્યૂયોર્ક-દિલ્હી ફ્લાઇટમાં મહિલા પ્રવાસી પર પેશાબ કરવામાં આવ્યો હોવાના મામલે નાગરિક ઉડ્ડયન નિયમનકારી સંસ્થા DGCAએ ફ્લાઇટના અધિકારીઓને અને ક્રૂ મેમ્બરને ગુરુવાર, 5 જાન્યુઆરીએ નોટિસ ફટકારી હતી અને જવાબ માગ્યો હતો કે 26 નવેમ્બરની આ ઘટના દરમિયાન ફરજમાં બેદરકારી બદલ તેમની સામે શા માટે પગલાં લેવામાં ન આવે. નિયમનકારે એર ઇન્ડિયાના આવા વર્તનને પણ અનપ્રોફેશનલ ગણાવ્યું છે. એક આઘાતજનક ઘટનામાં ગયા વર્ષે 26 નવેમ્બરે એર ઈન્ડિયાની ન્યૂયોર્ક-દિલ્હી ફ્લાઈટના બિઝનેસ ક્લાસમાં નશામાં ધૂત એક વ્યક્તિએ તેની મહિલા સહ-મુસાફર પર કથિત રીતે પેશાબ કર્યો હતો, આ મહિલા આશરે 70 વર્ષની સિનિયર સિટિઝન હતી.

4 જાન્યુઆરીએ આ ઘટના તેના ધ્યાન પર આવ્યા પછી ડીજીસીએએ જણાવ્યું હતું કે તેને એર ઈન્ડિયા પાસેથી આ ઘટનાની વિગતો માંગી છે.” એરલાઇનના આપેલા જવાબના આધારે પ્રથમ દૃષ્ટિએ એવું લાગે છે કે ફ્લાઇટ્સ દરમિયાન બેકાબૂ પેસેન્જરને હેન્ડલ કરવા સંબંધિત જોગવાઈઓનું પાલન કરવામાં આવ્યું નથી.

ડીજીસીએએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “સંબંધિત એરલાઇનનું આચરણ અવ્યાવસાયિક હોવાનું જણાય છે અને તે પ્રણાલીગત નિષ્ફળતા તરફ દોરી ગયું છે.” નિયમનકારના મતે, પ્રાથમિક દૃષ્ટિએ તેમાં વિવિધ નિયમનકારી જવાબદારીઓમાં બેદરકારી છે અને તે “સહાનુભૂતિથી વંચિત” છે.

 

LEAVE A REPLY