ગત બુધવારથી શરૂ થયેલી ચૈત્રી નવરાત્રીમાં રાજ્યમાં અંબાજી, પાવાગઢ, ચોટીલા, બહુચરાજી, ભાવનગર અને વરાણા ખોડિયાર માં, ભૂજના આશાપુરા, અમદાવાદનું મા ભદ્રનું મંદિર સહિતના અનેક મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. મંદિરો જય માતાજીના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા. બીજી તરફ રાજ્યમાં ગુડી પડવાની પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતના વડોદરા, અમદાવાદ, સુરતમાં મરાઠીભાષીઓની નોંધપાત્ર સંખ્યા છે અને તેઓ ગુડી પડવાની વિશેષ ઉજવણી કરે છે.
રાજ્યના અતિ પ્રાચીન એવા અંબાજી મંદિર ખાતે અગાઉથી જ તમામ તૈયારીઓ કરી લેવામાં આવી હતી. મંદિરમાં ભક્તો માં અંબાના દર્શન કરી શકે તે માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. શહેરમાં આવેલા મંદિરોમાં ચૈત્રી નવરાત્રીને મહાપૂજા સહિતના વિવિધ આયોજનો કરવામાં આવ્યા હતા.