અમેરિકામાં કોરોના વાઈરસે હાહાકાર મચાવ્યો છે, ત્યારે અમેરિકામાં સ્થાયી થયેલી દેવગઢ બારીયાની એક મહિલા સહિત ત્રણ વ્યક્તિઓનો કોરોના વાઈરસે ભોગ લીધો છે. કોરોના વાઈરસનો ભોગ બનેલા ત્રણેય વ્યક્તિના પરિવારજનો પણ ક્વોરન્ટીન હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.
ત્રણ વ્યક્તિઓના મોત નીપજતાં દેવગઢ બારીયામાં વસતા પરિવારોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. દેવગઢ બારીયાના વતની અને વર્ષોથી પરિવાર સાથે ન્યૂજર્સીમાં સ્થાયી થયેલા કલ્પેશભાઇ બાબુલાલ પરીખ(ઉં.62)નું 31 માર્ચના રોજ કોરોના વાઇરસની ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
તેમના પત્ની શ્રેયાબહેન પરીખ સ્થાનિક હોસ્પિટલમાં ડોક્ટર છે. અને તેઓ પણ હાલ ક્વોરન્ટીન હેઠળ છે. કલ્પેશભાઇના અંતિમ સંસ્કારમાં તેઓની બે દીકરીઓને મંજૂરી આપવામાં આવી ન હતી. બે દીકરી પૈકી એક દીકરીએ ટિ્વટ કરીને પોતાની વ્યથા વ્યક્ત કરી હતી.આ ઉપરાંત દેવગઢ બારીયાના ટાવર શેરીના વતની અને અમેરીકામાં સ્થાયી થયેલા કલ્પનાબહેન શૈલેષકુમાર ગાંધીનું(ઉં.70) 1 એપ્રિલના રોજ કોરોના વાઇરસના કારણે મોત નીપજ્યું છે.
તેઓ અમેરિકાના શિકાગો શહેરમાં બે દીકરીઓ સાથે રહેતા હતા. આ સાથે દેવગઢ બારીયાના વતની અને વર્ષોથી અમેરીકાના ન્યૂયોર્કમાં સ્થાયી થયેલા અજીતભાઇ વાડીલાલ શાહનું(ઉં.75) કોરોના વાઇરસમાં મોત નીપજ્યું છે. તેઓ વર્ષોથી પોતાના પરિવાર સાથે ન્યૂયોર્કમાં સ્થાયી થયા છે.