નોર્થ આફ્રિકન દેશ મોરોક્કોમાં શુક્રવારની મોડી રાત્રે આવેલા વિનાશક ભૂકંપ 300થી વધુ લોકોના મોત અને સેંકડો ઇજાગ્રસ્ત થયા છે. મોરોક્કોના મરાકેશ વિસ્તારમાં રીક્ટર સ્કેલ પર 6.8 તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. મોરોક્કો સરકારે જણાવ્યું હતું કે, મૃત્યુઆંક વધી શકે છે અને કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત વિશ્વભરના વડાઓએ મોરોક્કોમાં ભૂકંપના કારણે થયેલા જાનમાલના નુકસાન અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે, સાથે સાથે તમામ શક્ય મદદની ખાતરી આપી છે.

વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (ટ્વિટર) પર લખ્યું જે લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે મારી સંવેદના તેમની સાથે છે. ઇજાગ્રસ્તોને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા. ભારત આ મુશ્કેલ સમયમાં મોરોક્કોને તમામ શક્ય મદદ કરવા તૈયાર છે. યુએસ જિયોલોજિકલ સર્વે મુજબ લગભગ શુક્રવારની રાત્રે સ્થાનિક સમય અનુસાર 11:11 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર મરાકેશથી 71 કિલોમીટર દૂર 18.5 કિ.મી.ની ઊંડાઈએ નોંધાયું હતું.
મોરોક્કન સરકારના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે, આ ભૂકંપથી સૌથી વધુ નુકસાન શહેરની બહાર જૂની વસાહતોને થયું છે. મોરોક્કોના નાગરિકોએ સોશિયલ મીડિયા પર ભૂકંપ સંબંધિત વીડિયો અને તસવીરો પોસ્ટ કરી રહ્યા છે, જેમાં ઇમારતો ધરાશાયી થઇ કાટમાળના ઢગલામાં પરિવર્તિત થયેલી જોઈ શકાય છે.

LEAVE A REPLY