સુનિધિ ચૌહાણે હિન્દી સહિત સંખ્યાબંધ ભાષામાં ગીતોમાં સૂર આપ્યો છે. 1990ના દાયકાથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલાં સુનિધીએ કારકિર્દીમાં 600થી વધુ ફિલ્મોમાં પોતાનો અવાજ આપ્યો છે. દાયકાઓ લાંબી કરિયર દરમિયાન સુનિધિએ સમયને બદલાતો જોયો છે અને સોશિયલ મીડિયાના કારણે ઘણાં બધાં પરિવર્તન અનુભવ્યા છે. સુનિધિનું માનવું છે કે, સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા માટે રીલનું કલ્ચરલ વધ્યું છે, જે ક્રીએટિવિટી માટે જોખમી છે. જોકે, ગીતને કમ્પોઝ કરતી સમયે મળતી સંખ્યાબંધ સૂચનાઓથી માંડીને સોશિયલ મીડિયા જેવા દરેક તબક્કે સર્જનાત્મકતાને ખતમ કરવાના ષડયંત્રો રચાતા રહે છે.
સુનિધિએ એક ઈન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે, કોઈ ગીત હિટ થાય તો જ નોંધ લેવાય છે. છેલ્લે પુષ્પા ફિલ્મનું ‘સામી સામી’ ગીત હિટ થયું હતું. દરેક ગીત હિટ થઈ શકતું નથી અને ખરેખર કયું ગીત હિટ થશે તે કહેવું અઘરું હોય છે. જેના કારણે કયા ગીત ગાવા તે અંગે સભાન રહીને નિર્ણય લેવો પડે છે. માત્ર પસંદગીના ગીતો જ ગાવાના કારણે બીબાઢાળ ગીતોથી દૂર રહેવાય છે. અગાઉ જે પ્રકારના જોનરમાં ગીતો ગાયા હોય તેને બીજા કોઈનો અવાજ મળે તો વધારે સારું રહે છે. કોરોનાકાળને દરેક વ્યક્તિ માટે કપરો સમય માનવામાં આવે છે. જોકે, સુનિધિના મતે આ સમયમાં તેમને રીલેક્સ થવાનો ચાન્સ મળ્યો હતો. તેમણે જણાવ્યુ હતું કે, ચાર વર્ષની ઉંમરથી કામ કરતી આવી છું અને ક્યારેય બ્રેક લીધો હોય તેવું યાદ નથી. પરાણે બ્રેક લેવો પડ્યો ત્યારે ઘરે રહીને પણ કામ ચાલુ જ રાખ્યુ હતું. ઘરના કામ કરતી વખતે પણ કેટલાક ગીતો રેકોર્ડ કર્યા હતા અને નવો અનુભવ મેળવ્યો હતો. સ્ટુડિયોમાં ગયા વગર કે મ્યૂઝિક ડાયરેક્ટરની ગેરહાજરીમાં ઘરે બેસીને કામ કરતી વખતે ઘણું નવું શીખવા મળ્યુ હતું. આ પ્રક્રિયા દરમિયાન ભવિષ્યમાં કઈ રીતે કામ કરવું તેની સમજણ પણ વિકસી હતી.