સીબીઆઇએ રૂ.100 કરોડના લાંચ કેસમાં મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અને અન્યો સામે આરોપનામું દાખલ કર્યું હતું. મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમવીર સિંહે દેશમુખ સામે રૂ.100 કરોડની વસૂલીનો આક્ષેપ કર્યા બાદ સીબીઆઇ આ કેસની તપાસ કરી રહી છે. આ કેસમાં તાજના સાક્ષી બનવાની પૂર્વ પોલીસ અધિકારી સચિન વાઝેની અરજીને મુંબઈની સ્પેશ્યલ કોર્ટે મંજૂરી આપ્યા બાદ સીબીઆઇએ આ હિલચાલ કરી છે.
સીબીઆઇની વિશેષ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં વાઝેએ દાવો કર્યો હતો કે તેને તેમની ધરપકડ પહેલા અને પછી સીબીઆઇને સહકાર આપ્યો છે. આ પછી તેમના કબૂલાતનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. સીબીઆઈએ દેશમુખ, તેમના અંગત સ્ટાફના સભ્ય સંજીવ પલાન્દે અને કુંદન શિંદે મુંબઈની સ્પેશ્યલ કોર્ટમાં આરોપનામું દાખલ કર્યું હતું તથા ભ્રષ્ટાચાર અને કાવતરાના આરોપ મૂક્યા છે. મુંબઈ પોલીસ કમિશનરના હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા બાદ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને લખેલા પત્રમાં પરમવીર સિંહે દાવો કર્યો હતો કે દેશમુખે મુંબઈના બાર્સ અને રેસ્ટોરાં પાસેથી દર મહિને રૂ.100 કરોડની ખંડણી વસૂલવાની સૂચના આપી હતી.