ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા અને અન્ય રાજ્યોના લગભગ 50 જેટલા અગાઉના રાજવી પરિવારોના વંશજોનું અમદાવાદમાં કડવા પાટીદારોની સંસ્થા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા શાલ ઓઢાડી, સરદાર પટેલની પ્રતિમા આપી સન્માન કરવામાં આવ્યું હતું. સરદાર પટેલની જન્મજયંતિ 31 ઓક્ટોબરે ‘સરદાર પટેલ રાષ્ટ્ર ચેતના મહાસંમેલન’ના ભાગરૂપે આ સન્માન કરાયું હતું.
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા અને કેન્દ્રીય પ્રધાન પરશોત્તમ રૂપાલા સહિત મહાનુભાવોની હાજરીમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આ કાર્યક્રમનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું હતું.
ભાવનગરના કૃષ્ણ કુમારસિંહજી ભાવસિંહજીના વારસ મહારાજા રાઓલ વિજયરાજસિંહજી વીરભદ્રસિંહજી ગોહિલ, ઉદયપુરમાં મહારાણા પ્રતાપના પરિવારમાંથી મહારાજ લક્ષ્યરાજસિંહ મેવાડ, કોલ્હાપુરના રાજવી પરિવારના વારસદાર યુવરાજ સંભાજી રાજે સહિતના રાજવી પરિવારોને આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહારાણા પ્રતાપના વંશજ, ઉદેપુરના રાજવી, ગોંડલ સ્ટેટના રાજવી, વાંકાનેર સ્ટેટના રાજવી આવી પહોંચતા તમામનું ઢોલ-નગારા સાથે માનભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
દેશભરમાંથી આવી પહોંચેલા રાજવીઓએ સૌપ્રથમ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ આપીને તમામ રાજવીઓએ શસ્ત્રપૂજન પણ કર્યું હતું.