બર્મિંગહામના ડિગબેથમાં આવેલા ડાયરેક્ટ સોર્સ 3 વેરહાઉસમાં લંટ ચલાવી 56 વર્ષીય અખ્તર જાવેદની ગોળી મારી હત્યા કરવાના બનાવમાં 32 વર્ષીય તાહિર ઝરીફ નામના ગનમેન હત્યારાને ઓછામાં ઓછી 30 વર્ષની સજા સાથે આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.
3 ફેબ્રુઆરી, 2016ના રોજ ઝરીફ અને અન્ય સાથીઓ £100,000ની લૂંટ કરવા ગયા હતા. તે વખતે વેપારી અખ્તરના હાથ બાંધેલા હતા અને ઝરીફે ત્રણ વખત ગોળી છોડી ચેતવણી આપી હતી જેમાંની એક ગોળી અખ્તરના પગમાં વાગી હતી. અખ્તરે સેફ ખોલવાનો ઇન્કાર કરી ભાગી જવાનો પ્રયાસ કરતા ઝરીફે અખ્તરને ગળા અને મોંમાં વધુ બે ઘાતક ગોળીઓ મારી દીઘી હતી. અખ્તર જાવેદની હત્યા બાદ તાહિર ઝરીફ બે વર્ષ સુધી ભાગતો રહ્યો હતો.
ઝરીફને 2018માં પાકિસ્તાનના કાશ્મિરના મીરપુરમાંથી પકડવામાં આવ્યો હતો અને 2020માં તેને પ્રત્યાર્પણ કરી યુકે લાવવામાં આવ્યો હતો. જ્યાં ઝરીફે લૂંટના કાવતરા અને હથિયાર રાખવાના બે કાઉન્ટનો સ્વીકાર કરી લેતા તેને હત્યા માટે દોષી ઠેરવવામાં આવ્યો હતો.
બર્મિંગહામ ક્રાઉન કોર્ટમાં ગુરુવારે, 26 જાન્યુઆરીએ જાવેદના પુત્ર અને પુત્રીએ ઝરીફને ‘કાયર’ કહ્યો હતો.