ગુજરાત પર હાલ વાવાઝોડાનું સંકટ સર્જાયું છે, ત્યારે સૌરાષ્ટ્રમાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. અરબી સમુદ્રામાં સર્જાયેલા ડિપ્રેશનને લઈને પોરબંદર, ભાવનગર, મોરબી અને જાફરાબાદમાં 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આ સાથે જ માછીમારોને સાવચેતીના ભાગરૂપે દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગે 31 મે સુધી હળવા વરસાદ સાથે વાવાઝોડાની આગાહી કરી છે.
આગામી 4 અને 5 જૂનના રોજ દ્વારકા, ઓખા અને મોરબી થઈ કચ્છ તરફ વાવાઝોડા તરીકે ફંટાય તેવી દહેશત વ્યક્ત કરાઈ રહી છે. આ ડિપ્રેશન વાવાઝોડાનું સ્વરૂપ લેશે તો દ્વારકા થઈને તે કચ્છના કંડલા અને આજુબાજુના વિસ્તારોને ધમરોળતું રાજસ્થાન તરફ આગળ વધે અને ત્યાં વિખેરાઇ જાય તેવી શક્યતાઓ છે. હાલ પોરબંદરના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે.
આ અસરને જોતા પોરબંદર દરિયામાં બંદરે એક નંબરનું સિગ્નલ લગાડાયું છે. અરબી સમુદ્રમાં લો પ્રેશરને કારણે સાવચેતીના ભાગરૂપે એક નંબરનું સિગ્નલ લગાવી માછીમારોને દરિયો નહીં ખેડવાની સલાહ આપી છે. ભાવનગરમાં આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યુ છે, ત્યારે દરિયામાં કરંટ જોવા મળતાં ઘોઘા બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.
આ સાથે જ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. સાથે જ અલંગ પોર્ટ ઓફિસર અરવિંદ મિશ્રાએ એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું હોવાનું જણાવ્યું છે. અરબ સાગરમાં સર્જાયેલા ડિપ્રેશનને લઈને જાફરાબાદ બંદર પર સાવચેતીના ભાગરૂપે 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.
લોકડાઉનના કારણે જાફરાબાદ બંદર પર મોટાભાગની બોટો પરત આવી ગઈ છે અને માછીમારોને પણ માછીમારી ન કરવા સૂચના આપવામાં આવી છે.વાવાઝોડાના સંકટને લઈને મોરબીના નવલખી બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આ સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.