સ્વિસ બેંકોમાં ભારતીય વ્યક્તિઓ અને કંપનીઓનું ભંડોળ 2022માં 11 ટકા ઘટીને 3.42 બિલિયન સ્વિસ ફ્રાન્ક (લગભગ રૂ. 30,000 કરોડ) થયું હતું, એમ સ્વિટ્ઝર્લેન્ડની મધ્યસ્થ બેંકના વાર્ષિક ડેટામાં ગુરુવારે જણાવ્યું હતું. ભારતીય ગ્રાહકો દ્વારા રાખવામાં આવેલી રકમ 2021માં 3.84 બિલિયન સ્વિસ ફ્રાન્ક હતી, જે 14 વર્ષમાં સૌથી વધુ રકમ હતી. કસ્ટરમ ડિપોઝિટ એકાઉન્ટમાં આશરે 34 ટકાના તીવ્ર ઘટાડાને પગલે ભારતીય ક્લાયન્ટના આ ફંડમાં પણ ઘટાડો થયો છે.
બેંકોએ આ સત્તાવાર આંકડા સ્વિસ નેશનલ બેંકને આપ્યાં હતા. જો કે આ રકમમાં કાળા નાણાંનો પ્રમાણનો ઉલ્લેખ કરાયો નથી. આ રકમમાં એ રકમનો પણ સમાવેશ થતો નથી જે ભારતીયો, એનઆરઆઇ અને અન્ય લોકોએ સ્વીસ બેંકોમાં ત્રીજા દેશના એકમો તરીકે જમા કરાવી છે. સ્વિસ નેશનલ બેંકે ભારતીયોએ જમા કરાવેલ ૩.૪૨ અબજ સ્વીસ ફ્રાન્કની રકમને કુલ જવાબદારી ગણાવી છે. ઉલ્લેખનીય છે કે ૨૦૦૬માં ભારતીયો દ્વારા જમા કરાવેલ રકમ ૬.૫ અબજ સ્વીસ ફ્રાન્ક હતી.
સ્વિસ બેંકના જણાવ્યા અનુસાર વિદેશી કંપનીઓ અને વિદેશી કલાયન્ટોની સ્વિસ બેંકોમાં જમા રકમ ૨૦૨૨માં ૧.૧૫ ટ્રિલિયન સ્વીસ ફ્રેન્ક (૧૨૫ લાખ કરોડ રૂપિયા) હતી. વિદેશી કલાયન્ટની જમા રકમની બાબતમાં બ્રિટન ટોચ પર છે. ત્યારબાદ બીજા બીજા ક્રમે અમેરિકા છે.