કર્ણાટક વિધાનસભાની 10મેએ યોજાયેલી ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી(આપ)ના તમામ ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ હતી. ‘આપ’ને ફક્ત 0.58 ટકા જ વોટ મળ્યા છે. આમ આદમી પાર્ટી(આપ)એ કર્ણાટકની 224 પૈકી 208 બેઠક પર ચૂંટણી લડી હતી. કર્ણાટકથી આમ આદમી પાર્ટી દક્ષિણ ભારતમાં પગપેસારો કરવા મથી રહી હતી. પરંતુ આ ચૂંટણીમાં ખરાબ હાર થઈ છે.
આમ આદમી પાર્ટીએ કર્ણાટકમાં ભ્રષ્ટાચાર મુક્ત શાસન, જનકલ્યાણ યોજનાઓ, શિક્ષણ વગેરે મુદ્દાઓ પર ચૂંટણી લડી હતી અને લોકોને કેટલાક વચનો પણ આપ્યા હતા. આમ આદમી પાર્ટીને ફક્ત 2.25 લાખ(સવા બે લાખ) વોટ જ મળ્યા, જ્યારે આમ આદમી પાર્ટીએ દાવો કર્યો હતો કે તેમના બે લાખ કાર્યકરો કર્ણાટકમાં છે. મીડિયા રિપોર્ટ મુજબ કુલ 208 ઉમેદવાર પૈકી 72 ઉમેદવાર જ એક હજાર કે તેથી વધુ વોટ મેળવી શક્યા છે.