ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઐતિહાસિક વિજયને પગલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના અનેક ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ હતી. આમ આદમી પાર્ટીએ વિધાનસભાની 182માંથી 181 બેઠકો પર ઉમેદવારો ઊભા રાખ્યા હતા, પરંતુ તેના 128 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ હતી. બીજી તરફ કોંગ્રેસના 41 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ હતી.
કુલ માન્ય મતમાંથી છઠ્ઠા ભાગથી ઓછા અથવા 16.67 ટકાથી ઓછા વોટ મળે ત્યારે તેને ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થાય છે. અમદાવાદની ઘાટલોડિયા બેઠક પર મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સામે ઉભા રહેલા કોંગ્રેસના અમી યાજ્ઞિક અને અને આમ આદમી પાર્ટીના વિજય પટેલની ડિપોઝિટ જપ્ત થઈ હતી. વાઘોડિયોમાં છ વખતના વિજેતા મધુ શ્રીવાસ્તવની પણ ડિપોઝિટ જપ્ત થઈ હતી.
આમ આદમી પાર્ટીએ પાંચ બેઠકો જીતીને ગુજરાતમાં પોતાનું ખાતુ ખોલાવ્યું છે પરંતુ ગુજરાતમાં આપ સરકાર રચશે તેવા પક્ષના નેતાઓના દાવા શેખચલ્લી સમાન સાબિત થયા છે. આપના મુખ્યપ્રધાનના પદના ઉમેદવાર ઇસુદાન ગઢવી પોતે જ ચૂંટણી હારી ગયા હતા. તો આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા પણ ઘરભેગા થયા હતા. જો કે આપના પાંચ ઉમેદવારોએ જીતીને પક્ષની આબરૂ બચાવી લીધી હતી. જો કે ૧૩ ટકાથી વધુ વોટ શેર મેળવીને રાષ્ટ્રીય પાર્ટી બન્યાનો ગુજરાતમાં ચૂંટણી લડવાનો ફાયદો જરૂર થયો છે. આપને સૌરાષ્ટ્રમાં ચાર બેઠકો સાથે તો દક્ષિણ ગુજરાતમાં એક બેઠક સાથે એન્ટ્રી મળી છે પરંતુ પાટીદારોના ગઢ સમાન અને સુરતમાં સૌથી વધુ આશા હતી રેલી-સભામાં જંગી ભીડ ઉમટતી હતી પરંતુ ત્યાં મત મળ્યા નથી.