વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના યુરોપના પ્રવાસના ભાગરૂપે મંગળવાર (4મે)એ ડેનમાર્ક પહોંચ્યા હતા. કોપનહેગનમાં ડેનમાર્કના વડાપ્રધાન મેટે ફ્રેડરિક્સને ઉષ્માપૂર્વક તેમનું સ્વાગત કર્યું હતું. ડેનમાર્કમાં ભારતીય સમુદાયને સંબોધિત કરવા માટે વડાપ્રધાન મોદી બેલા સેન્ટર પહોંચ્યા હતા આ દરમિયાન ડેનિશ વડાપ્રધાન ફ્રેડરિક્સન પણ તેમની સાથે મંચ પર ઉપસ્થિત રહ્યા હતાં. મોદી ત્યાં પહોંચતા જ ત્યાં ઉપસ્થિત ભારતીય સમુદાયના લોકોએ મોદી-મોદીના નારા લગાવ્યા. મોદી પહેલા ફ્રેડરિક્સને લોકોને સંબોધિત કર્યા હતા.
કોપનહેગનમાં પોતાના સંબોધનમાં ફ્રેડરિક્સને કહ્યું કે, ‘તમારી સાથે અહીં ઉપસ્થિત રહીને મને ઘણી ખુશી થઈ રહી છે. મને ઘણો ગર્વ અનુભવાઈ રહ્યો છે કે અમે તમારું સ્વાગત કરી શક્યા, મારા દોસ્ત નરેન્દ્ર મોદી. ફરી એકવખત હું તમારું સ્વાગત કરું છું. મને ઘણી ખુશી થઈ રહી છે કે, હું તમારા બધાની સાથે અહીં હાજર છું.’ તેમણે કહ્યું કે, ‘મને લાગે છે કે આજે આપણે દર્શાવી રહ્યા છીએ કે આપણી વચ્ચે કેટલા મજબૂત સંબંધ છે, દોસ્તી અને પરિવારના. તે તમારા બધા વિના શક્ય ન બન્યું હોત.’
ફ્રેડરિક્સને કહ્યું કે, ‘ડેનમાર્કમાં રહેતા અને ડેનમાર્કમાં કામ કરતા બધા ભારતીયોનો આભાર, જેમણે ડેનિશ સમાજમાં પોતાનું સકારાત્મક યોગદાન આપ્યું છે. તમારા બધાનો આભાર.’ તેમણે ભારતીય સમુદાયને કહ્યું કે, ‘મારે કહેવું પડશે કે તમને એક રાજનેતાનું સ્વાગત કરવાનું ઘણી સારી રીતે આવડે છે. પ્લીઝ, તે ડેનમાર્કની જનતાને પણ શીખવો.’ ડેનિશ પીએમએ કહ્યું કે, ભારત અને ડેનમાર્કની વચ્ચે ઘણી મહત્વની સમજૂતીઓ થઈ છે.
અહેવાલો મુજબ, બંને દેશોના વડાપ્રધાનો વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત થશે અને સમજૂતી પત્રોનું આદાન-પ્રદાન કરાશે. પીએમ મોદી ડેનમાર્કના ક્વીન માર્ગેથ દ્વિતીય સાથે પણ મુલાકાત કરશે અને બિઝનેસ રાઉન્ડટેબલમાં ભાગ લેશે. સોમવારે પીએમ મોદી જર્મની પહોંચ્યા હતા અને એક દિવસ પછી બુધવારે તેઓ ફ્રાંસ પહોંચશે, જ્યાં તેઓ ફ્રાંસના પ્રેસિડન્ટ ઈમેન્યુઅલ મેક્રોં સાથે મુલાકાત કરશે.