ઘણીવાર લોકોને આશ્ચર્ય થતું હશે કે, વિશ્વમાં અતિશય દારુ કયા દેશોમાં પીવાતો હશે? આ અંગે ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ (OECD) દ્વારા કરવામાં આવેલા નવા સર્વેમાં જણાયું હતું કે, સૌથી વધુ દારૂ પીનારા લોકોમાં ડેનમાર્ક મોખરાના સ્થાને છે, પછીના ક્રમે રોમાનિયા અને બ્રિટન છે. આરોગ્ય સંબંધિત વ્યાપક સમીક્ષાના ભાગરૂપે OECDના સભ્ય દેશોમાં આ સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વે પ્રમાણે સૌથી વધુ દારૂ પીનારા લોકોમાં અમેરિકા 10મા સ્થાને છે. અમેરિકા માટે આ રસપ્રદ પરિણામ છે, કારણ કે તેને દારૂ પીનારાઓનો દેશ માનવામાં આવે છે. આ ઉપરાંત દારૂ પીવા માટે જાણીતા જર્મની અને આયર્લેન્ડ જેવા દેશો આ યાદીમાં અનુક્રમે 5મા અને 8મા સ્થાને છે.
સર્વે મુજબ, “2019માં સરેરાશ 29 દેશોમાં, “દર પાંચમાંથી અંદાજે એક વયસ્ક ઉંમરની વ્યક્તિએ (19 ટકા) મહિનામાં ઓછામાં ઓછી એકવાર પ્રાસંગિક પણ અતિશય દારૂ પીધો હોવાનું જણાવ્યું હતું.”
સંશોધકોના તારણ મુજબ, “આ પ્રમાણ 10 ગણું બદલાયું છે, તુર્કી અને ઇટાલીમાં ત્રણ ટકાથી ઓછા જર્મની, લક્ઝમબર્ગ, યુકે અને ડેનમાર્ક તેમ જ રોમાનિયામાં 30 ટકાથી વધુ દારૂ પીનારા નોંધાયા હતા.”
અતિશય ડ્રિંક્સ એટલે શું?
સંશોધકોના જણાવ્યા મુજબ, એક જ બેઠકમાં ઓછામાં ઓછા છ વાર ડ્રિંક્સ પીવું તેને અતિશય દારુ પીવાનું માનવામાં આવે છે.
સર્વે અનુસાર, તમામ દેશોમાં 26 ટકા પુરુષોએ મહિનામાં ઓછામાં ઓછા એકવાર અતિશય પ્રાસંગિક દારૂ પીધો હોવાની કબૂલાત કરી હતી તેની સરખામણીએ મહિલાઓની સંખ્યા 12 ટકા હતી. રોમાનિયામાં 55 ટકા જેટલા પુરુષોએ અતિશય દારૂ પીવાનું સ્વીકાર્યું હતું. ડેનમાર્ક અને લક્ઝમબર્ગમાં અતિશય દારૂ પીવાની કબૂલાત કરનારા પુરુષોની ટકાવારી અનુક્રમે 50 ટકાથી ઓછી અને 46 ટકા જેટલી હતી.
આ અભ્યાસમાં જણાયું હતું કે, સર્વે કરાયેલા તમામ દેશોમાં મહિલાઓ કરતાં પુરૂષો વધુ દારુ પીતા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, દારુ પીવા માટે રશિયા ખૂબ જાણીતું છે પરંતુ તે OECDનું સભ્ય નહીં હોવાથી તેને આ સર્વેમાં સ્થાન આપવામાં આવ્યું નહોતું. OECD એક આંતરસરકારી સંસ્થા છે, જેનું વડુમથક ફ્રાન્સમાં છે અને તેમાં 38 દેશો સભ્ય છે.
OECD દ્વારા આરોગ્ય અને સ્વસ્થતાને મહત્ત્વ આપવામાં આવે છે. ખાસ તો કામ કરવાની ઉંમરના લોકોમાં દારુ પીવાની ટેવને “વિશ્વભરમાં મૃત્યુ અને અપંગતા માટે મુખ્ય જવાબદાર માનવામાં આવે છે.”