ઉત્તરાખંડના જોશીમઠમાં જમીન ધસી હોવાથી હોવાથી સમગ્ર શહેરનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે અને 678 મકાનોમાં તિરાડો પડી ગઈ છે. સરકારે હવે રાહત અને બચાવ કામગીરી હાથ ધરી છે. જોખમી બનેલા ક્ષતિગ્રસ્ત મકાનો-હોટલો-ઈમારતો તોડવાની તૈયારી ચાલુ કરાઈ છે અને શહેરના આશરે 4000 લોકોને કરાયા શિફ્ટ કરાયા છે. ટેકનીકલ સમિતિએ તપાસ બાદ પોતાનો રિપોર્ટ રજૂ કર્યો હતો. જેમાં સરકારને તરત જ જર્જરીત નિર્માણો ધસી પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.
શહેરના 678 મકાનો અને બે હોટેલો અલગ તારવામાં આવી છે અને તેમના પર બુલડોઝર ફેરવી દેવામાં આવશે. મંગળવારની સવારે બુલડોઝરની સાથે એસડીઆરએફની ટીમે પહોંચી હતી. મંગળવારે બંને હોટલોને તોડી પાડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જોશીમઠમાં ક્ષતિગ્રસ્ત બાંધકામો પર ત્રણ ફેઝમાં કાર્યવાહી કરવાની તૈયારી કરવામાં આવી છે.
SDRFના કમાન્ડન્ટ મણિકાંત મિશ્રાએ કહ્યું કે, બંને હોટલોને તબક્કાવાર રીતે તોડવામાં આવશે. સૌથી પહેલા ઉપરના ભાગને તોડવામાં આવશે. બંને હોટલો નમી ગઈ હોવાથી આવું કરવામાં આવશે. આ બંને હોટલો એકબીજાની નજીક આવી ગઈ છે. એટલે તેને તોડી પાડવી ખૂબ જ જરૂરી છે.
અગાઉ વડાપ્રધાન કાર્યાલયે ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને ભારપૂર્વક જણાવ્યું હતું કે તાકીદની પ્રાથમિકતા લોકોની સુરક્ષા હોવી જોઇએ. કેન્દ્ર સરકારે નિષ્ણાતોને સંરક્ષણ અને પુનર્વસન માટે ટૂંકા અને લાંબા ગાળાની યોજનાઓ તૈયારનો આદેશ આપ્યો હતો. વડાપ્રધાન મોદીએ પણ ઉત્તરાખંડના મુખ્યપ્રધાન સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી.
જોશીમઠમાં કુલ 4,500 મકાનો છે જેમાંથી 610માં મોટી તિરાડો પડી ગઈ છે અને તે રહેઠાણ માટે અયોગ્ય બન્યા છે. હજુ સર્વે ચાલુ છે અને અસરગ્રસ્ત ઈમારતોની સંખ્યા વધી શકે છે. જોશીમઠમાં છેલ્લા ઘણા સમયથી જમીન ધસી રહી છે, પરંતુ છેલ્લા એક સપ્તાહમાં ઘરો, ખેતરો અને રસ્તાઓમાં મોટી તિરાડોમાં વધારો થઈ રહ્યો છે. ગયા અઠવાડિયે શહેરની નીચે પાણીની કેનલ ફાટી ગયા પછી પરિસ્થિતિ દેખીતી રીતે વણસી ગઈ છે.
ઉત્તરાખંડ સરકાર મુખ્યસચિવ સહિતના વરિષ્ઠ અધિકારીઓએ સૌથી વધુ અસરગ્રસ્ત મનોહર બાગ, સિંઘધર અને મારવારી વિસ્તારોની મુલાકાત લીધી હતી અને લોકોને રાહત કેન્દ્રમાં સ્થળાંતર કરવાની અપીલ કરી હતી.
ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક પછી વડા પ્રધાન કાર્યાલયે રવિવારે જણાવ્યું હતું કે કેન્દ્રીય નિષ્ણાતોના સમર્થન સાથે રાજ્ય અને જિલ્લાના અધિકારીઓએ જમીન પર પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું છે અને જાણ કરી છે કે લગભગ 350 મીટરની પહોળાઈવાળી જમીનની પટ્ટી પ્રભાવિત છે. કેન્દ્ર સરકારની એજન્સીઓ અને નિષ્ણાતો ઉત્તરાખંડને જોશીમઠની પરિસ્થિતિનો સામનો કરવા માટે યોજનાઓ તૈયાર કરવામાં મદદ કરી રહ્યા છે અને તાકીદની પ્રાથમિકતા લોકોની સુરક્ષા છે.
નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની એક ટીમ અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ચાર ટીમો જોશીમઠ પહોંચી ચૂકી છે. વડા પ્રધાનના મુખ્ય સચિવ પી કે મિશ્રાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે અસરગ્રસ્ત વિસ્તારમાં રહેતા લોકોની સલામતી તાકીદમા પ્રાથમિકતા હોવી જોઈએ.ઉત્તરાખંડના મુખ્ય સચિવે પીએમઓને બેઠક દરમિયાન જમીનની સ્થિતિ વિશે જાણકારી આપી હતી