legal immigration system is introduced in the US House
(istockphoto.com)

અમેરિકાના અનેક રાજ્યોમાં તાજેતરમાં યોજાયેલી ડેમોક્રેટિક પાર્ટીની પ્રાયમરીમાં અનેક ઇન્ડિયન અમેરિકન ઉમેદવારો વિજેતા થયા છે. મિશિગનમાં બે ટર્મ માટે સ્ટેટ રીપ્રેઝન્ટેટીવ રહેલા 56 વર્ષના પદ્મા કુપ્પા 9મા જિલ્લામાંથી સ્ટેટની સેનેટમાં ડેમોક્રેટિક પ્રાઈમરી માટે બિનહરીફ વિજેતા થયા હતા. હવે તેઓ નવેમ્બર 2022ની ચૂંટણીમાં રીપબ્લિકન ઉમેદવાર માઈકલ વેબરનો સામનો કરશે. તો યુએસ કોંગ્રેસમાં મિશિગનના 13મા ડિસ્ટ્રિક્ટમાંથી ઇન્ડિયન અમેરિકન ઉમેદવાર શ્રી થાનેદાર 2 ઓગસ્ટે ડેમોક્રેટિક પ્રાઈમરીમાં વિજેતા થયા છે.

થાનેદાર 2021થી સ્ટેટ હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટિવ્ઝમાં છે, અને હવે તેમનો મુકાબલો 8 નવેમ્બરની સામાન્ય ચૂંટણીમાં રીપબ્લિકન ઉમેદવાર માર્ટેલ બિવિંગ્સ સામે થશે. કૂક પોલિટિકલ રીપોર્ટ મુજબ ડેમોક્રેટિક પાર્ટી માટે ડિસ્ટ્રિક્ટ 13 સુરક્ષિત અને મજબૂત છે. કોંગ્રેસવુમન રશીદા તલૈબે યુએસ કોંગ્રેસમાં આ ડિસ્ટ્રીક્ટનું પ્રતિનિધિત્વ કર્યું હતું પરંતુ હવે તેઓ મિશિગનના 12મા ડિસ્ટ્રિક્ટમાંથી ચૂંટણી લડી રહ્યાં છે જ્યાં તેઓ પણ 2 ઓગસ્ટે ડેમોક્રેટિક પ્રાઈમરીમાં વિજેતા થયા હતા.

એક ઉદ્યોગસાહસિક અને લેખક, થાનેદારે પ્રાઇમરી જીતવા માટે અન્ય 7 ડેમોક્રેટ્સને હરાવ્યા હતા. તેઓ 13મા જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવા માટે આર્થિક અસમાનતાને ‘સૌથી મોટો પડકાર’ માને છે. વોશિંગ્ટન સ્ટેટમાં ડેમોક્રેટિક કોંગ્રેસવૂમન પ્રમિલા જયપાલનો પ્રાઇમરીમાં વિજય થયો છે. તો સ્ટેટ પ્રાઇમરીમાં સેનેટર મનકા ઢિંગરા અને સ્ટેટ રીપ્રેઝન્ટેટિવ વંદના સ્લેટર નવેમ્બરની ચૂંટણીમાં ઝંપલાવશે.

મિશિગન સ્ટેટ હાઉસ અને સ્ટેટ સેનેટની ડેમોક્રેટિક પ્રાઇમરીઝમાં સફળ થનારા અન્ય ઇન્ડિયન અમેરિકનોમાંમાં રાજીવ પુરી, સામ સિંઘ અને આઇશા ફારૂકીનો સમાવેશ થાય છે. ઓહાયો સ્ટેટમાં અનિતા સોમાણી અને એરિઝોનામાં પ્રિયા સુંદરેશન વિજેતા થયા હતા.

નોર્થ કેરોલિનામાં શાર્લોટ સિટીના કાઉન્સિલર તરીકે ડિમ્પલ અજમેરા ફરીથી ચૂંટાયા છે. તેઓ અગાઉ 2017માં કાઉન્સિલર તરીકે ચૂંટાયા હતા. શાર્લોટ સિટી કાઉન્સિલમાં વિજેતા થયેલા ડિમ્પલ પ્રથમ ઇન્ડિયન અમેરિકન છે અને સૌથી નાની વયનાં મહિલા છે, તેમણે ડેમોક્રેટ બ્રેક્સટન વિન્સ્ટનને હરાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, નવ વર્ષ અગાઉ મારા પિતાનું અચાનક મૃત્યુ થયું ત્યારે હું ભાંગી પડી હતી. તેમના મૃત્યુથી મને સમજાયું હતું કે, જીવનમાં શેનું મહત્વ છે. હું તેમનો વારસો કેવી રીતે જાળવી શકું અને મારી નજીકના લોકોનું જીવન કેવી રીતે સુધારી શકું તે અંગે વિચારું છું. ડિમ્પલ 16 વર્ષનાં હતા ત્યારે તેમના માતા-પિતા સાથે ભારતથી અમેરિકા આવ્યા હતા ત્યારે અહીં ખાસ સુવિધાઓ નહોતી. મારો ઉદ્દેશ્ય શાર્લોટમાં જાહેર સુરક્ષા, ટ્રાન્સપોર્ટેશન, નોકરીની તકો, મહિલા સમાનતા અને આર્થિક વિકાસનો છે.