બદામ, સીંગ અને અન્ય નટ્સમાં ભરપુર પોષક તત્વો હોય છે જે મગજને સ્વસ્થ રાખવા માટે મદદરૂપ થાય છે તેમ માનવામાં આવે છે. આપણે ત્યાં કહેવાય છેને કે બદામ ખાવાથી યાદશક્તિ તેજ થાય છે. હવે એક સંશોધનમાં પૂરવાર થયું છે કે જો મધ્યમ વયથી જ વ્યક્તિ અઠવાડિયામાં થોડી મુઠ્ઠીભર બદામ ખાય તો તેમને વૃદ્ધ થાય ત્યારે ડિમેન્શીયા થવાની શક્યતાઓ ઘટે છે.
સિંગાપોરની નેશનલ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા અને એજ એન્ડ એજિંગ જર્નલમાં પ્રકાશિત થયેલા સંશોધન સૂચવે છે કે 40ના દાયકામાં અઠવાડિયામાં બે પોર્શન બદામ ખાવાનું શરૂ કરનારા પુરૂષો અને સ્ત્રીઓને તેઓ 60, 70 કા 80ના દાયકામાં જશે ત્યારે તેમની યાદશક્તિ ઓછી થવાની સંભાવના 21 ટકા ઓછી થાય છે.
બદામ વિવિધ પ્રકારના પોષક તત્વોથી સમૃદ્ધ હોય છે અને માનવામાં આવે છે કે તંદુરસ્ત મગજનું કાર્ય જળવાઇ રહે તે માટે સોજાને દૂર કરે છે અને મગજને લોહીનો વિપુલ પ્રમાણમાં પુરવઠો મળતો રહે તેની તકેદારી રાખે છે. આમ દાયકાઓ પછી થનારા ફાયદાઓ મેળવવા માટે ઓછામાં ઓછી મધ્યમ વયે બદામ ખાવાનું શરૂ કરવું જરૂરી છે.
લાંબા ગાળાના અભ્યાસના ભાગ રૂપે સંશોધનકારોએ 40 અને તેથી વધુ વયના લગભગ 17,000 લોકોને શોધી કાઢી વિશ્લેષણ કર્યું હતું કે કે પ્રત્યેક સહભાગી કેટલી વાર બદામ ખાતા હતા અને ત્યારબાદ દાયકાઓ દરમિયાન ડિમેન્શિયાના સંકેતો શોધવા માટે તેમના વારંવાર ટેસ્ટ કરાયા હતા. જે લોકો બદામ નહિં ખાનારા લોકોની તુલનામાં અઠવાડિયામાં બે વખત અથવા વધુ વખત મધ્યમવયે બદામ ખાતા હતા તેમને ડિમેન્શીયા થવાનું જોખમ 21% ઓછું હતું. જ્યારે જેઓ સપ્તાહનાં એક વખત બદામ ખાતા હતા તેમને જોખમ 19 ટકા ઓછું હતું.
અલ્ઝાઇમર રિસર્ચ યુકેના સંશોધન વડા ડો. રોઝા સાંચોએ જણાવ્યું હતું કે: “બદામમાં તંદુરસ્ત ચરબી હોય છે અને તે એક તંદુરસ્ત, સંતુલિત આહારનો એક ઘટક હોઈ શકે છે જે આપણી ઉંમરની જેમ મગજના સ્વાસ્થ્યને ટેકો આપવા માટે મદદ કરી શકે છે. પરંતુ કોઈ ચોક્કસ ખોરાક અથવા પૂરક આહાર ખાવામાં થાય છે તે કહેવું મુશ્કેલ છે.”