ગુજરાતમાં હાઇકોર્ટની કાર્યવાહીમાં પણ ગુજરાત ભાષાને મંજૂરી આપવા માટે માગણી કરવામાં આવી છે. કોર્ટ કાર્યવાહી માટે અંગ્રેજી ભાષાની સાથે સાથે ગુજરાતી ભાષાનો પણ સમાવેશ કરવા ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસિએશને ગુજરાતના રાજયપાલને એક પત્ર પાઠવી માંગણી કરી હતી એસોસીએશન તરફથી ભારતીય બંધારણની કલમ-૩૪૮(૨) હેઠળ ગુજરાતી ભાષાને હાઇકોર્ટની સત્તાવાર ભાષા બનાવવા પણ માંગણી કરવામાં આવી હતી.
ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશને પત્રમાં રજૂઆત કરી હતી કે, ભૂતકાળમાં રાષ્ટ્રપતિએ મંજૂરી આપેલી છે કે બંધારણની જોગવાઈ મુજબ રાજ્યપાલને સત્તા છે કે, રાજ્યમાં સરકારી કામકાજના હેતુ માટે સત્તાવાર રીતે તેઓ હિન્દી કે અન્ય કોઈપણ પ્રાદેશિક ભાષાનો ઉપયોગ કરવાની મંજૂરી આપી શકે છે. જેમાં, હાઈકોર્ટની કામગીરીનો પણ સમાવેશ થાય છે. ગુજરાત હાઈકોર્ટ રૂલ્સ-૧૯૯૩ના વિવિધ નિયમોના લીધે પક્ષકાર કે વકીલોએ કેસ સાથે સંકળાયેલા વિવિધ દસ્તાવેજ કે જે ગુજરાતીમાં હોય તેને અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરીને રજૂ કરવા પડે છે. જેના લીધે નાણાં અને સમયનો વ્યય થાય છે. દરેક અરજદાર કે વકીલને અરજી દીઠ રૂ. ૧૦ થી ૧૫ હજારનો વધુ ખર્ચ ભોગવવો પડે છે. હાઈકોર્ટ રૂલ્સ-૧૯૯૩ના રૂલ ૩૭ મુજબ પાર્ટી ઈન પર્સનને હાઈકોર્ટમાં ગુજરાતીમાં રજૂઆત કરવાની મંજૂરી મળેલી છે.