વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બીસીસી સિરિઝને પગલે ઊભો થયેલો વિવાદ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. હિન્દુ સેનાના અધ્યક્ષ વિષ્ણુ ગપ્તા અને વીરેન્દ્ર કુમાર સિંહે સુપ્રીમ કોર્ટમાં અરજી અરજી કરીને માગણી કરી છે કે બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન અને બીસીસી ઈન્ડિયા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે.
જાહેર હિતની અરજીમાં બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન અને બીસીસી ઈન્ડિયાની ભારતીય કામગીરી પર પ્રતિબંધની માગ કરાઈ છે. એડવોકેટ બરૂણ કુમાર સિન્હા દ્વારા દાખલ કરાયેલી પીટીશનમાં NIAને આદેશ આપવાની પણ માંગ કરાઈ છે કે, તે ભારત વિરોધી અને ભારત વિરોધી સરકારનું રિપોર્ટિંગ, ડોક્યુમેન્ટ્રી ફિલ્મો, ભારતમાં તેના કર્મચારી-પત્રકાર સહિત ટૂંકી ફિલ્મો વિરૂદ્ધ તપાસ શરૂ કરે.
અરજદારોએ જણાવ્યું છે કે બીબીસીની ડોક્યુમેન્ટ્રીમાં 2002ના ગોધરા રમખાણો અંગે વિવાદાસ્પદ બાબતો બતાવી હોવાથી બીબીસી સામે કાર્યવાહી કરવી જોઈએ. બીબીસી પોતાનો એજન્ડો ચલાવી રહી છે અને ડોક્યુમેન્ટ્રી ખોટી રીતે રિલિઝ અને પ્રસારિત કરવામાં આવી રહી છે. નરેન્દ્ર મોદી 2014થી વડાપ્રધાન બન્યા બાદ સમગ્ર ભારતમાં ઝડપી વિકાસ થઈ રહ્યો છે. આ બાબત ભારત વિરોધી લોબી અને મીડિયા ખાસ કરીને બીબીસીને ગમી રહી નથી, તેથી બીબીસી ભારત અને ભારત સરકાર વિરુદ્ધ પક્ષપાતી રહ્યું છે. બીબીસી દ્વારા પ્રકાશિત ભારત સંબંધીત વિવિધ સમાચારોના લેખો ઉલ્લેખ કરતા પીટીશનમાં આરોપ લગાવાયો છે કે, બીબીસી સ્વતંત્ર ભારતમાં ભારત વિરોધી પ્રચાર સામે કામ કરી રહ્યું છે.