ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે નવી દિલ્હીમાં નવનિર્મિત સેન્ટ્રલ વિસ્ટા એવન્યૂના ભાગરૂપે રાષ્ટ્રપતિભવનથી લઇને ઇન્ડિયાગેટ સુધીના નવા નામાભિધાન કરાયેલા કર્તવ્યપથનું ઉદ્ઘાટન કર્યું હતું અને દેશને ગુલામીના વધુ એક પ્રતિકમાંથી મુક્તિ માટે ધન્યવાદ આપ્યા છે. અગાઉ તે રાજપથના નામથી ઓળખાતો હતો. હવે તે નવનિર્માણ અને નવા નામ સાથે જનતા માટે ખોલવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદીએ અહીં નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમાનું પણ અનારણ કર્યું હતું
વિશેષ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ગુલાબીના પ્રતિક કિંગ્સવે એટલે કે રાજપથ આજથી ઇતિહાસ બની ગયો છે. આજે કર્તવ્યપથના રૂપમાં નવા ઇતિહાસનું સર્જન થયું છે. હું તમામ દેશવાસીઓને આઝાદીના અમૃતકાળમાં ગુલાબીના વધુ એક પ્રતિકથી મુક્તિ મેળવવા માટે ધન્યવાદ આપું છે. કર્તવ્યપથથી ફરજોની પ્રેરણા મળશે, આ એક જીવંત માર્ગ છે. નેતાજીની પ્રતિમા, નેશનલ વોર મેમોરિયલ તેને ફરજોથી ઓતપ્રોત કરશે અને પ્રેરણા આપશે.
સુભાષચંદ્ર બોઝનો ઉલ્લેખ કરતાં મોદીએ જણાવ્યું હતું કે આજે ઇન્ડિયા ગેટની નજીક આપણા રાષ્ટ્રનાયક નેતાજી સુભાષચંદ્ર બોઝની વિશાળ પ્રતિમા પણ સ્થાપિત કરાઈ છે. ગુલામીના સમયમાં અહીં બ્રિટિશ રાજાશાહીના પ્રતિનિધિઓની મૂર્તિઓ લગાવવામાં આવી હતી. આજે દેશે આ સ્થાન પર નેતાજીને મૂર્તિની સ્થાપના કરીને આધુનિક, સશક્ત ભારતની પ્રાણપ્રતિષ્ઠા પણ કરી દીધી છે. સુભાષચંદ્ર બોઝ એક એવા મહામાનવ હતા કે જેઓ હોદ્દા અને સંશાધનોના પડકારોથી પર હતા. તેમની સ્વીકાર્યતા એવી હતી કે આખું વિશ્વ તેમને નેતા માનતું હતું. તેમનામાં સાહસ હતું, સ્વાભિમાન હતું. તેમની પાસે આઇડિયા અને વિઝન હતું. તેમના નેતૃત્વની ક્ષમતા હતા. જો આઝાદી પછી આપણા દેશ સુભાષ બાબુના માર્ગ પર ચાલ્યો હોત તો આજે દેશ નવી ઊંચાઈએ પહોંચ્યો હોત. પરંતુ દુર્ભાગ્યની વાત એ છે કે આઝાદી પછી આ મહાનાયકને ભુલાવી દેવામાં આવ્યા હતા. તેમના વિચારો, તેમની સાથે જોડાયેલા પ્રતિકોને પણ નજરઅંદાજ કરવામાં આવ્યા હતા.
કિંગ્સવેથી કર્તવ્યપથ સુધીની સફર
દેશની રાજધાનીમાં સત્તાના કેન્દ્રમાં રહેલા ઐતિહાસિક રાજપથ બ્રિટિશ રાજથી લઇને મુક્ત અને લોકતાંત્રિક ભારતનો સાક્ષી છે. સાત દાયકાથી અહીં દર વર્ષે પ્રજાસત્તાક દિનની પરેડ યોજાય છે. રાયસીના હિલ કોમ્પ્લેક્સથી ઇન્ડિયા ગેટ સુધીના આ પથની સફરનો પ્રારંભ કિંગ્સવે નામ થયો હતો. દેશને આઝાદી મળ્યા બાદ કિંગ્સવેનું નામ બદલીને રાજપથ કરાયું હતું અને હવે રાજપથનું નામ બદલીને કર્તવ્યપથ કરાયું છે. 15 ડિસેમ્બર 1911ના રોજ કિંગ જ્યોર્જ પાંચમાએ બ્રિટિશ રાજમાં નવી રાજધાનીનો શિલાન્યાસ કર્યો હતો.