બજેટ સત્રનો બીજો તબક્કો સોમવારે શરૂ થઈ ગયો છે, જે 3જી એપ્રિલ સુધી ચાલશે. જેમાં દિલ્હી હિંસાના મુદ્દે લોકસભા અને રાજ્યસભામાં હોબાળાના અણસાર જોવા મળી રહ્યા છે. વિપક્ષે બન્ને ગૃહોમાં કાર્યસ્થગન પ્રસ્તાવ માટે નોટિસ આપી છે. કોંગ્રેસ દિલ્હી હિંસા અંગે ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ કરશે. સાથે જ સંસદીય કાર્ય રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલે કહ્યું કે સરકાર દરેક મુદ્દે સંસદમાં ચર્ચા માટે તૈયાર છે. બજેટ સત્રનો પહેલો તબક્કો(31 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી)માં નાણામંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરી બજેટ રજુ કર્યું હતું.
લોકસભાની કાર્યવાહી સ્વર્ગસ્થ સાંસદોને શ્રદ્ધાંજલિ આપવાની સાથે થઈ હતી. સાસંદોએ શ્રદ્ધાંજલિ આપ્યા બાદ લોકસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી હતી. જો કે, આ દરમિયાન કોંગ્રેસના ઘણા સાંસદોએ દિલ્હી હિંસામાં મોતને ભેટેલા લોકોને પણ શ્રદ્ધાંજલિ આપવાની માંગ કરી હતી.
કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, કેન્દ્ર સરકાર દિલ્હી હિંસાને રોકવામાં નિષ્ફળ નિવડી હતી. ચૌધરીએ કહ્યું કે, ‘કોંગ્રેસ સંસદમાં દિલ્હી હિંસાનો મામલો ઉઠાવશે. અમે ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરીશું. દેશની રાજધાનીમાં હિંસા તેમની દેખરેખમાં થઈ હતી. આવું પશ્વિમ બંગાળમાં પણ થઈ રહ્યું છે. ત્યાં પણ ગોળી મારો સાલો કો, જેવા ઉશ્કેરણીજનક નારા લગાવાઈ રહ્યા છે. ભાજપ દેશને ધર્મના નામે વહેચવાના પ્રયાસ કરી રહ્યો છે. ટુકડે-ટુકડે ગેંગની વાસ્તવિક કમાન તો ભાજપના હાથમાં છે.
ધીમે-ધીમે આખો દેશ સાંપ્રદાયિક હિંસાના સંકજામાં આવી રહ્યો છે.’ સરકાર પણ જાણે છે કે બજેટ સત્રના બીજા તબક્કામાં હોબાળો થઈ શકે છે. કેન્દ્રીય મંત્રી મેઘવાલે કહ્યું કે, ‘સરકાર દિલ્હી હિંસાના મુદ્દે સંસદમાં હોબાળા માટે તૈયાર છે. વિપક્ષી પાર્ટીઓ તરફથી જે નોટિસ આવી રહી છે, તેમાં દિલ્હી હિંસાનો મુદ્દો ઉઠાવાઈ રહ્યો છે, સરકાર પણ આ મુદ્દે સંસદમાં ચર્ચા કરવા માટે તૈયાર છે પરંતુ કોઈએ આ મુદ્દે રાજકારણ ન કરવું જોઈએ. આવી ઘટનાઓ ફરી ન બને તેના માટે ચર્ચા થવી જોઈએ’ માનવામાં આવી રહ્યું છે કે આ સત્રમાં સરકાર સરોગેસી અને ટેક્સ વિવાદના નિવેડા માટે નવું બિલ લાવી શકે છે.