દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી હિંસાનો દોર ચાલી રહ્યો છે. ભાજપે દિલ્હીમાં હિંસા માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને જવાબદાર ગણાવ્યા છે. ભાજપે આક્ષેપ કર્યો કે છેલ્લા બે મહિનાથી ઉકળતા ચરુ જેવી સ્થિત જોવા મળતી હતી. ગત વર્ષે ડિસેમ્બરમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ‘આર યા પાર’ની લડાઈ લડવા આહ્વાન કર્યું હતું ત્યારથી આ સ્થિતિ સર્જાઈ હતી.
દિલ્હી ભાજપ કાર્યલાય પર એક પત્રકાર પરિષદને સંબોધતા કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે, દિલ્હીની હિંસામાં પોલીસ જવાન અને ઈન્ટેલિજન્સ બ્યૂરોના કર્મચારી અંકિત શર્માની હત્યા થઈ છે તેના પર રાજકીય પક્ષો શા માટે ચૂપ છે.
જાવડેકરે જણાવ્યું કે આ પ્રકારની સ્થિતિમાં તમામ રાજકીય પક્ષોએ શાંતિ માટે એક થવું જોઈએ. આપ પર પ્રહાર કરતા જાવડેકરે કહ્યું કે, ધારાસભ્યોએ શાંતિ માટે પહેલ કરવાની જરૂર હતી પરંતુ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વિધાનસભામાં કેટલાક લોકોની હિંસાના આરોપી તરીકે ધર્મના આધારે ઓળખ કરી હતી.
આ ઉપરાંત કોંગ્રેસને પણ આડેહાથ લેતા જાવડેકરે કહ્યું કે ગત વર્ષે સોનિયા ગાંધીની રેલીમાં કરો યા મરોની લડાઈ જેવા શબ્દોનો પ્રયોગ કરાયો હતો. જાવડેકરે જણાવ્યું કે ભાજપ શાંતિ સ્થાપવા પ્રયાસ કરી રહ્યું છે પરંતુ કોંગ્રેસ અને આપ આ મુદ્દે રાજકારણ રમી રહ્યા છે.
કોંગ્રેસના પ્રતિનિધિઓ દિલ્હીમાં હિંસા બદલ રાષ્ટ્રપતિને આજે મળ્યા હતા અને તેમણે ગૃહ મંત્રી અમિત શાહના રાજીનામાની માંગ કરી હતી. કોંગ્રેસ દ્વારા શાહના રાજીનામાની માગણી નિમ્ન સ્તરનું રાજકારણ છે તેમ જાવડેકરે કહ્યું હતું. ગાઉ કોંગ્રેસે દિલ્હી હાઈકોર્ટના જજ એસ મુરલીધરની રાતોરાત બદલી બદલ પણ ભાજપ પર પ્રહારો કર્યા હતા.