કોરોનાના કેસોમાં ઘટાડાને પગલે ભારતની રાજધાની દિલ્હીમાં રેસ્ટોરા, બજાર અને મોલ્સ 14 જૂનથી ફરી ખોલવાની છૂટ આપવામાં આવી છે. મ્યુનિસિપલ ઝોન દીઠ એક સાપ્તાહિક માર્કેટ ખોલવાની પણ મંજૂરી આપવામાં આવી છે. જોકે સ્કૂલ, કોલેજ, એજ્યુકેશન એન્ડ કોચિંગ ઇન્સ્ટીટ્યૂટ, રાજકીય સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો, સિનેમા, મલ્ટિપ્લેક્સિસ, સ્વીમિંગ પૂલ, જીમ, પબ્લિક પાર્ક અને ગાર્ડન ખોલવાની હજુ પરવાનગી આપી નથી. ધાર્મિક સ્થળો ખૂલશે, પરંતુ ભક્તોને પ્રવેશ મળશે નહીં.
રવિવારે આ અંગેની જાહેરાત કરતાં દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે અનલોકની પ્રક્રિયા હેઠળ 14 જૂનથી દિલ્હીમાં તમામ બજારો અને મોલ્સ સંપૂર્ણ રીતે ખોલી શકાશે. 50% બેઠક ક્ષમતા સાથે રેસ્ટોરાં પણ ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. જો કે આ માટેનો સમય સવારે 10 થી સાંજના 8 વાગ્યા સુધી નક્કી કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત સરકારી કચેરીમાં 100% અધિકારી અને બાકીના કર્મચારીઓ 50% ક્ષમતા સાથે કામ કરશે. ખાનગી ઓફિસોમાં 50% ક્ષમતા સાથે સવારે 9 થી સાંજના 5 સુધી કાર્ય કરાશે. ઘરે અથવા કોર્ટમાં 20 લોકોની હાજરી સાથે લગ્ન થઈ શકશે. મેટ્રો અને બસો 50% ક્ષમતા સાથે દોડશે. ઓટો, ઇ-રિક્ષા અને ટેક્સી બેથી વધુ મુસાફરોને બેસાડી શકશે નહીં.