કોરોનાના જોખમને ધ્યાનમાં રાખીને 21 દિવસના લોકડાઉનના સમર્થનમાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ પીએમ મોદીને પત્ર લખ્યો છે. સોનિયા ગાંધીએ પત્રમાં કેટલાક સૂચનો કરતા કહ્યુ છે કે, સરકાર દ્વારા તમામ ઈએમઆઈ પર 6 મહિનાની રોક લગાવવામાં આવે.
આ દરમિયાન બેંકો વ્યાજ પણ માફ કરે. સોનિયા ગાંધીએ એવો પણ આગ્રહ કર્યો છે કે, મોદી સરકાર દેશમાં ન્યાય ( ન્યૂનતમ આવક ગેરંટી યોજના) લાગુ કરીને રોજગારીના સંકટનો સામનો કરી રહેલા ખેડૂતો તેમજ નાના વ્યવસાયીઓને રાહત આપવા માટે પગલા ભરે. કોંગ્રેસ પાર્ટી કોરોના વાયરસના કારણે ઉભા થયેલા સંકટના સમયમાં સરકાર સાથે છે.
કોરોનાની બીમારીએ લાખો લોકોનુ જીવન ખતરામાં નાખી દીધુ છે અને ખાસ કરીને આર્થિક રીતે નબળા વર્ગના જીવન પર તેની બહુ બૂરી અસર પડી છે. તેમણે પત્રમાં કહ્યુ છે કે, આ બીમારીની સારવાર કરી રહેલા સ્વાસ્થ્યકર્મીઓ માટે એન 95 માસ્ક તેમજ બીજી સ્વાસ્થ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે.
જે ન્યાય યોજનાનો ઉલ્લેખ સોનિયા ગાંધીએ પત્રમાં કર્યો છે તે યોજના કોંગ્રેસે લોકસભાની ચૂંટણી પહેલા પોતાના ઢંઢેરામાં સામેલ કરી હતી. જેમાં દેશના પાંચ કરોડ ગરીબ પરિવારોને વર્ષે 72000 રુપિયા આપવાની વાત હતી.
