કોરોનાના કેસોમાં ઉછાળાને પગલે દિલ્હી સરકારે માફી ધરાવતી કેટેગરી સિવાયની તમામ ખાનગી ઓફિસો, રેસ્ટોરા અને બાર્સ બંધ કરવાનો મંગળવારે આદેશ આપ્યો હતો. અત્યાર સુધી 50 ટકા કર્મચારીઓ સાથે કામ કરતી ખાનગી ઓફિસોને વર્ક ફ્રોમ હોમની તાકીદ કરવામાં આવી છે. દિલ્હીમાં મંગળવારે કોરોનાના નવા 21,529 કેસ નોંધાયા હતા અને 23 લોકોના મોત થયા હતા, જ્યારે પોઝિટિવિટી રેટ વધીને 25.65 ટકા થયો હતો.
દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA)એ જારી કરેલા આદેશમાં શહેરની રેસ્ટોરાં અને બાર્સ બંધ કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. જોકે રેસ્ટોરાં હોમ ડિલિવરી આપી શકશે અને ટેઇક-હોમ ઓર્ડર્સ લઈ શકશે. નવો આદેશ આપવામાં ન આવે ત્યાં સુધી આ નિયંત્રણમો અમલી બનશે.
દિલ્હીના ઉપરાજ્યપાલ વડપણ હેઠળ સોમવારે DDMAની બેઠકમાં દિલ્હીમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ પણ ઉપસ્થિત હતા.
આદેશમાં જણાવાયું છે કે છેલ્લાં કેટલાંક દિવસોથી ઓમિક્રોન વેરિયન્ટ સહિત કોરોનાના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે અને પોઝિટિવિટી રેટ વધીને 23 ટકાના વટાવી ગયો છે. તેથી દિલ્હીમાં કેટલાંક વધારાના નિયંત્રણો લાદવાની જરૂરિયાત ઊભી થઈ હતી.
માફી ધરાવતી કેટેગરીમાં બેન્કો, આવશ્યક સેવા પૂરી પાડતી કંપનીઓ, વીમા અને મેડિક્લેમ કંપનીઓ, ફાર્મા કંપનીઓ, એડવોકેટની ઓફિસ, કુરિયર સર્વિસ, નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કોર્પોરેશન, સિક્યોરિટીઝ સર્વિસિસ, મીડિયા, પેટ્રોલ પંપ અને ઓઇલ એન્ડ ગેસ રિટેલ આઉટલેટ સહિતનો સમાવેશ થાય છે. આ ઓફિસો 100 ટકા સ્ટાફ સાથે કાર્યરત રહેશે. ડીડીએમએએ 28 ડિસેમ્બરે દિલ્હીમાં યલો એલર્ટની જાહેરાત કરી હતી. યલો એલર્ટ હેઠળ ખાનગી ઓફિસોને સવારે 9થી સાંજે 5 વાગ્યા સુધી 50 ટકા કર્મચારીઓ સાથે કામ કરવાની છૂટ અપાઇ હતી.