કોવિડ-19 મહામારીને લીધે લગભગ બે વર્ષ સુધી પ્રભાવિત રહેલા એવિએશન સેક્ટરે ફરી એક વાર પોતાની ગતિ પકડી લીધી છે. ઓફિશિયલ એરલાઈન્સ ગાઈડ(ઓએજી) નામની સંસ્થા દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર દિલ્હીનું ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ વિશ્વનું બીજા ક્રમનું સૌથી વ્યસ્ત એરપોર્ટ બની ગયું છે. ઓએજીનું આ આકલન એરપોર્ટની કુલ સીટ ક્ષમતા અને ડોમેસ્ટિક તથા આંતરરાષ્ટ્રીય ઉડાણોની ફ્રીકવન્સીના આધાર પર છે.
ઓફિશિયલ એરલાઈન્સ ગાઈડ(ઓએજી) દ્વારા આ મહિનાની શરૂઆતમાં જાહેર વિગત મુજબ 3611181 સીટો સાથે દિલ્હી એરપોર્ટે દુબઈ એરપોર્ટ પછાડીને બીજો ક્રમ હાંસલ કર્યો છે. દુબઈ એરપોર્ટ પર ગત મહિને 3554527 સીટો ઉપલબ્ધ કરાવી હતી. ગત મહિનાની યાદીમાં દુબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બીજા ક્રમે રહ્યું હતું. એટલાન્ટા-જેક્સન ઈન્ટરનેશનલ એરપોર્ટે પોતાનો પ્રથમ ક્રમ(4422436 સીટો) જાળવી રાખ્યો છે. ફેબ્રુઆરી-2022 અનુસાર માર્ચમાં જાહેર કરાયેલા રેન્કિંગમાં દિલ્હી એરપોર્ટ, એટલાન્ટા-જેક્સન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને દુબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પછી ત્રીજા સ્થાને હતું. ગત મહિને દિલ્હી એરપોર્ટે ચીનના ગ્વાંગઝૂ એરપોર્ટને પાછળ રાખ્યું હતું, જે દુનિયાનું સૌથી ચોથા નંબરનું વ્યસ્ત એરપોર્ટ હતું. દિલ્હી એરપોર્ટે પણ એપ્રિલ-2019માં પોતાની સ્થિતિની તુલનામાં મોટી છલાંગ લગાવી છે. કોરોના પહેલા દિલ્હી એરપોર્ટ દુનિયાના સૌથી વ્યસ્ત એરપોર્ટની યાદીમાં 23મા સ્થાન પર હતું.