દિલ્હીમાં પ્રદૂષણની સમસ્યા ગંભીર સ્તરની નજીક આવી જતાં બાંધકામ અને ડિમોલિશન પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ જેવા નિયંત્રણો લાગુ કરવાનો કેન્દ્ર સરકારની એર ક્વોલિટી સમિતિએ શનિવારે આદેશ આપ્યો હતો.. ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન સ્ટેજ-3 હેઠળ સમિતિએ રાષ્ટ્રીય રાજધાની વિસ્તાર (એનસીઆર)માં આવા નિયંત્રણો અમલ કરવાનો આદેશ આપ્યો હતો.
આ નિયંત્રણોમાં રાષ્ટ્રીય સુરક્ષા, સંરક્ષણ, રેલ્વે અને મેટ્રો રેલ સંબંધિત આવશ્યક પ્રોજેક્ટોને બાકાત રાખવામાં આવ્યા છે. એનસીઆરમાં ખાણકામ પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવશે નહીં.
કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM)એ વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય હવાની બગડતી ગુણવત્તાને ધ્યાનમાં રાખીને NCRમાં BS III પેટ્રોલ અને BS IV ડીઝલ ફોર-વ્હીલરના ચલાવવા પર પ્રતિબંધ લાદી શકે છે. બાંધકામ પ્રવૃત્તિઓ પરના પ્રતિબંધથી નોઈડા, ગાઝિયાબાદ, ગુરુગ્રામ અને અન્ય વિસ્તારોમાં હાઉસિંગ પ્રોજેક્ટને અસર થવાની સંભાવના છે.
દિલ્હીનો 24 કલાકનો સરેરાશ એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) સાંજે 4 વાગ્યે 397ના સ્તરે હતો, જે જાન્યુઆરી પછીનો સૌથી ખરાબ હતો. આ ઇન્ડેક્સ ગુરુવારે 354, બુધવારે 271, મંગળવારે 302 અને સોમવારે (દિવાળી) 312 હતો.
દિલ્હી-એનસીઆરમાં હવાની ગુણવત્તાને ચાર અલગ-અલગ તબક્કાઓ હેઠળ વર્ગીકૃત કરવામાં આવેલી છે. એર ક્વોલિટી ઇન્ડેક્સ 201-300ની વચ્ચે હોય તો તેને હવાની નબળી ગુણવત્તા અને 301થી 400ની વચ્ચે હોય તો તેને ‘ખૂબ જ ખરાબ’, ઇન્ડેક્સ 401થી 450ની વચ્ચેની હોય તો ‘ગંભીર’ માનવામાં આવે છે.
શનિવારે સાંજે ઇમર્જન્સી બેઠકમાં કમિશનની પેટા સમિતિએ નોંધ્યું હતું કે હવામાનની પ્રતિકૂળ પરિસ્થિતિઓ અને ખેતરમાં આગ લાગવાની ઘટનાઓમાં અચાનક વધારો થવાને કારણે સમગ્ર એનસીઆરમાં તાત્કાલિક અસરથી GRAPના સ્ટેજ IIIનો અમલ જરૂરી છે.