કોરોનાના કેસોમાં ઘટાડાને પગલે ભારતની રાજધાની દિલ્હીમાં અનલોકિંગ યોજનાની વિગત આપતા રાજ્યના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે શનિવારે જણાવ્યું હતું કે 7 જૂનથી બજાર અને શોપિંગ મોલ ઓડ-ઈવન મુજબ ખૂલશે. તેનો સમય સવારે 10 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી રહેશે. શુક્રવારે કોરોનાના નવા 523 કેસ નોંધાયા હતા.
કેજરીવાલે જણાવ્યું હતું કે દિલ્હી મેટ્રો ટ્રેન પણ 50 ટકા સીટિંગ કેપેસિટી સાથે ફરી ચાલુ કરવામાં આવશે. જોકે જીમ, સ્વીમિંગ પૂલ, વોટર પાર્ક, સલુન, શિક્ષણ અને કોચિંગ સંસ્થાઓ, સિનેમા હોલ, થીયેટર, વીકલી માર્કેટ બંધ રહેશે. કોરોનાની સ્થિતિમાં સુધારો થયા બાદ વધુ છૂટછાટ આપવામાં આવશે.
તેમણે જણાવ્યું હતું કે પ્રાઇવેટ ઓફિસ 50 ટકા સ્ટાફ સાથે ખૂલશે. સરકારી ઓફિસમાં કેટેગરી-એ કર્મચારીઓ તમામ દિવસો કામ કરી શકશે, તેમની તેમની હાથ નીચેના કર્મચારી 50 ટકા હાજરી આપી શકશે.
ત્રીજી લહેરનો સામનો કરવાની તૈયારી અંગે કેજરીવાલે જણાવ્યુ હતું કે અમે ત્રીજી લહેરમાં દરરોજ 37 હજાર કેસ સુધી પીક માનીને તૈયારી કરીશું. બેડ, ઑક્સિજન, દવા અને આઇસીયુને જેટલી જરૂરિયાત રહેશે એ બાબતે અંદાજો મેળવવામાં આવી રહ્યો છે. કેજરીવાલે જણાવ્યું હતું કે ત્રીજી લહેરમાં બાળકો પર વધુ જોખમ રહેવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. એટલા માટે અમે દરેક હોસ્પિટલમાં બાળકો માટે અલગથી વ્યવસ્થા કરીશું. બેડથી લઈને દવા સુધી બાળકોને ધ્યાનમાં રાખીને તૈયારીઓ કરવામાં આવશે. દિલ્હીમાં લોકડાઉન 19 એપ્રિલના રોજ લાગુ કરવામાં આવ્યું હતું.