ભારતીય ચૂંટણી પંચ દ્વારા અત્યારે ભારતમાં લોકસભાની સામાન્ય ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન પંચ દ્વારા વિશ્વની સૌથી મોટી ચૂંટણી વ્યવસ્થાને નિહાળવા માટે 23 દેશોની ચૂંટણી વ્યવસ્થાપન સંસ્થાઓનાં 75 પ્રતિનિધિઓને આમંત્રણ આપ્યું હતું. આથી ભૂતાન, મોંગોલિયા, ઓસ્ટ્રેલિયા, મડાગાસ્કર, ફિજી, કિર્ગિઝ રીપબ્લિક, રશિયા, મોલ્ડોવા, ટ્યુનિશિયા, સેશેલ્સ, કમ્બોડિયા, નેપાળ, ફિલિપાઇન્સ, શ્રીલંકા, ઝિમ્બાબ્વે, બાંગ્લાદેશ, કઝાકિસ્તાન, જ્યોર્જિયા, ચિલી, ઉઝબેકિસ્તાન, માલદીવ્સ, પાપુઆ ન્યૂ ગિની અને નામિબિયા દેશોના વિવિધ ઇએમબી અને સંગઠનોના 75 પ્રતિનિધિઓએ આ વ્યવસ્થા નિહાળી હતી. ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન ફોર ઇલેક્ટોરલ સિસ્ટમ્સ (આઇએફઇએસ)ના સભ્યો અને ભૂતાન અને ઇઝરાયલની મીડિયા ટીમોએ પણ મુલાકાત લીધી હતી.
4 મેથી શરૂ થયેલા આ કાર્યક્રમમાં ભારતની ચૂંટણી વ્યવસ્થાની બારીકાઈઓ તેમજ વિશ્વના સૌથી મોટા લોકતંત્ર દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી શ્રેષ્ઠ પદ્ધતિઓથી વિદેશી ચૂંટણી વ્યવસ્થાપન સંસ્થાઓ (ઈએમબી)ને પરિચિત કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ પ્રતિનિધિઓ મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર, ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને ડો. સુખબીર સિંહ સંધુને પણ મળ્યા હતા. તેમણે નાનાં જૂથોમાં છ રાજ્યો- મહારાષ્ટ્ર, ગોવા, ગુજરાત, કર્ણાટક, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશની મુલાકાત લીધી હતી અને વિવિધ મતક્ષેત્રોમાં ચૂંટણી સંબંધિત પ્રક્રિયાની વિગતો મેળવી હતી.