ભારત અને ઇજિપ્ત વેપાર અને સંરક્ષણ ક્ષેત્રે સહકાર માટે સમજૂતી કરાર થયા હતા. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઇજિપ્તના પ્રેસિડેન્ટ અલ-સિસિની નવી દિલ્હીમાં મુલાકાત દરમિયાન સંરક્ષણ, આંતરિક સુરક્ષા, વેપાર, સાંસ્કૃતિક બાબતો, ઇન્ફોટેક, સાયબર સુરક્ષા, યુવા ઉત્કર્ષ, માહિતી-પ્રસારણ અને ત્રાસવાદ વિરોધી કાર્યવાહીના વિષયો પર ચર્ચા બાદ એ ક્ષેત્રોમાં સહકારના પાંચ કરાર કરવામાં આવ્યા હતા. અલ-સિસિ સાથે મંત્રણા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે, ત્રાસવાદ માનવ સમાજની સલામતી સામે મોટું જોખમ હોવા વિશે દ્વિપક્ષી સંમતી સધાઈ હતી. સલામતી, આર્થિક બાબતો, રાજકીય અને વૈજ્ઞાનિક ક્ષેત્રોમાં ભારત અને ઇજિપ્તના સંબંધો મજબૂત બનાવવાનો સંકલ્પ બન્ને પક્ષોએ દર્શાવ્યો હતો. તે ઉપરાંત દ્વિપક્ષી વેપારનું પ્રમાણ ૧૨ બિલિયન અમેરિકન ડોલર સુધી લઈ જવાનો નિર્ધાર પણ કરવામાં આવ્યો છે.
ઇજિપ્તની સરકાર સુએજ કેનાલ ઇકોનોમિક ઝોનમાં ભારતીય ઉદ્યોગો માટે વિશેષ વિસ્તાર ફાળવવાની સંભાવના પર વિચાર કરી રહી છે. આ માટે ભારત સરકાર માસ્ટર પ્લાન સૂચવી શકે છે. ભૂમધ્ય સાગરને લાલ સમુદ્ર સાથે જોડે છે, તે વિશ્વના સૌથી વ્યસ્ત વેપાર માર્ગોમાંનો એક છે. દરરોજ લગભગ ૧૨ ટકા વૈશ્વિક વેપાર આ નહેરમાંથી પસાર થાય છે.
ઇજિપ્તમાં ઉપલબ્ધ રોકાણની તકોનો ઉપયોગ કરવા માટે, ભારત વિદેશી રોકાણો સ્થાપિત કરવા માટે સક્ષમ તેની કંપનીઓને પ્રોત્સાહિત કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઇજિપ્તના પ્રેસિડેન્ટ અબેદ ફત્તહ અલ-સિસી મંગળવારે ત્રણ દિવસની મુલાકાતે દિલ્હી પહોંચ્યા હતા અને મુખ્ય અતિથિ તરીકે પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં ભાગ લીધો હતો.