અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે શનિવારે રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયા સામે 33 રનથી પરાજય સાથે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડ વર્લ્ડકપમાંથી બહાર ફેંકાઈ ગયું હતું. ઇંગ્લેન્ડે ટોચ જીતને પાંચ વખતની ચેમ્પિયન ટીમને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. માર્નસ લાબુશેન (71)ના સર્વોચ્ચ સ્કોરિંગ સાથે ઓસ્ટ્રેલિયાએ 286 રન કર્યા હતા. જોકે ઈંગ્લેન્ડ 253 રન બનાવી શક્યું અને પોઇન્ટ ટેબલમાં સૌથી નીચે જ રહ્યું હતું. વર્લ્ડકનપી સાત મેચોમાં ઇંગ્લેન્ડો છઠ્ઠી મેચમાં પરાજય થયો હતો.
ઇંગ્લેન્ડ ટુર્નામેન્ટમાંથી બહાર થનારી બીજી ટીમ બની હતી. અગાઉ બાંગ્લાદેશ પણ બહાર થઈ ગયું હતું.
ઇંગ્લેન્ડ તરફથી બેન સ્ટોક્સ અને ડેવિડ મલાને અર્ધસદી ફટકારી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી એડમ ઝામ્પાએ 3 અને ઇંગ્લેન્ડ તરફથી ક્રિસ વોક્સે 4 વિકેટ ઝડપી હતી. ઇંગ્લેન્ડ 7 મેચમાં 2 પોઈન્ટ સાથે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું છે. હવે નેધરલેન્ડ્સ અને પાકિસ્તાન સામે તેની 2 મેચ બાકી છે. આ જીત્યા બાદ પણ તેમની પાસે માત્ર 6 પોઈન્ટ હશે, જે સેમિફાઈનલ માટે ક્વોલિફાઈ કરવા માટે પૂરતા નથી.
બીજી તરફ ઇંગ્લેન્ડને હરાવ્યા બાદ ઓસ્ટ્રેલિયાના 7 મેચમાં 5 જીતથી 10 પોઈન્ટ થઈ ગયા છે. ટીમ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ સામે તેમની 2 મેચ બાકી છે, જો તેઓ એક પણ મેચ જીતે તો ટીમ સેમિફાઈનલમાં પહોંચી જશે.
287 રનના લક્ષ્યને ચેઝ કરવા ઉતરેલી ઈંગ્લિશ ટીમની શરૂઆત ખરાબ રહી હતી. મિચેલ સ્ટાર્કે પહેલા જ બોલ પર જોની બેયરસ્ટોને કેચઆઉટ કરાવ્યો હતો. જો રૂટે ડેવિડ મલાન સાથે ઇનિંગની આગેવાની લીધી હતી પરંતુ રૂટ પણ પાંચમી ઓવરમાં આઉટ થયો હતો. સ્ટાર્કે બંને વિકેટ લીધી હતી. ટીમ 10 ઓવર બાદ 2 વિકેટના નુકસાન પર 38 રન જ બનાવી શકી હતી.
ઓસ્ટ્રેલિયા તરફથી કેમરૂન ગ્રીન 47 રન બનાવીને આઉટ થયો હતો અને સ્ટીવ સ્મિથ 44 રન બનાવીને આઉટ થયો હતો ઇંગ્લેન્ડ તરફથી ક્રિસ વોક્સે 4 વિકેટ ઝડપી હતી. માર્ક વુડ અને આદિલ રાશિદને 2-2 વિકેટ મળી હતી. લિયામ લિવિંગ્સ્ટન અને ડેવિડ વિલીને 1-1 વિકેટ મળી હતી.