ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન ((DRDO) માટે 2007માં 35 રેડિયો ફ્રિકવન્સી જનરેટર્સની ખરીદીમાં કથિત ગેરરીતિ બદલ અમેરિકા ખાતેની એક કંપની અને ભારતના ભૂતપૂર્વ વિજ્ઞાની સામે સીબીઆઇએ આરોપ મૂક્યા છે. આ કથિત કૌભાંડ બદલ એકોન ઇન્ક તથા DRDOના ડિફેન્સ એવિયોનિક્સ રિસર્ચ એસ્ટાબ્લિસમેન્ટ (DARE)ના તત્કાલિન વિજ્ઞાની સામે આરોપ મૂકવામાં આવ્યા છે.
આ જનરેટર્સ 10,80,450 ડોલરમાં ખરીદવામાં આવ્યા હતા. ફેબ્રુઆરી 2009માં DRDOને ત્રણ કન્સાઇનમેન્ટમાં આ 25 જનરેટર્સ મોકલવામાં આવ્યા હતા. એકોન કંપનીને 90 ટકા રકમ મળી હતી. DRDOને મોકલવામાં આવેલા 23 યુનિટને ડિલિવરીના થોડા સપ્તાહમાં રિપેર અને એપગ્રેડેશનના નામે અમેરિકામાં પરત મોકલવામાં આવ્યા હતા અને કંપનીએ હજુ સંપૂર્ણ કાર્યરત જનરેટર્સ પરત કર્યા નથી.