બોલીવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણની આગામી ફિલ્મ ‘છપાક’ તેની રિલીઝના એક દિવસ અગાઉ કાયદાકીય વિવાદમાં સપડાઈ છે. મેઘના ગુલઝારના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ પર સંકટના વાદળો ઘેરાયા છે. એસિડ હુમલાનો ભોગ બનનારી લક્ષ્મી અગ્રવાલના વાસ્તવિક જીવન પર આધારિત આ ફિલ્મમમાં તેનો કેસ લડનાર વકીલને કોઈ ક્રેડિટ નહીં આપવામાં આવતા લક્ષ્મીના વકીલે દિલ્હીની એક કોર્ટમાં ફિલ્મ સામે ધા નાંખી છે. વકીલ અપર્ણા ભટ્ટે દાવો કર્યો છે કે તે એસિડ એટેક પીડિતા લક્ષ્મી અગ્રવાલની ઘણા વર્ષોથી વકીલ રહી છે અને તેમ છતા ફિલ્મમાં તેને કોઈ જ ક્રેડિટ અપાઈ નથી.
જેને પગલે અપર્ણાએ દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં ફિલ્મની રિલીઝ પર રોક લગાવવા અરજી દાખલ કરી છે. દીપિકા સ્ટારર ફિલ્મ છપાક શુક્રવારે એટલે કે આવતીકાલે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. અપર્ણાએ પોતાના ફેસબુક હેન્ડલ પર એક પોસ્ટ લખીને ફિલ્મમાં તેને ક્રેડિટ નહીં આપવાના મુદ્દે નારાજગી વ્યક્ત કરી હતી અને ફિલ્મના નિર્માતા વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાની પણ વાત ઉચ્ચારી હતી. પોતાની અરજીમાં ભટ્ટે દાવો કર્યો છે કે તે કેટલાય વર્ષો સુધી એસિડ હુમલાનો ભોગ બનનાર લક્ષ્મીના વકીલ રહ્યા છે, તેમ છતા તેમને ફિલ્મમાં કોઈ ક્રેડિટ આપવામાં આવી નથી. પોતાની અરજીમાં મહિલા વકીલે કોર્ટને આ ફિલ્મની રિલીઝ પર રોક લગાવવાની માંગ કરી છે.
અપર્ણાએ ફેસબુક પોસ્ટમાં લખ્યું કે, ‘છપાક જોયા પછીની ઘટનાઓથી ઘણી પરેશાન છું. હું મારી ઓળખ બચાવવા અને મારી ઈમાનદારીને કાયમ રાખવા માટે કાયદાકીય કાર્યવાહી કરવા મજબૂર છું. એક સમયે મે પટિયાલા હાઉસ કોર્ટમાં લક્ષ્મીના વકીલ તરીકે પ્રતિનિધિત્વ કર્યું હતું…આવતીકાલે કોઈ મારું પ્રતિનિધિત્વ કરશે…જીવનની આ વિચિત્ર વિડંબના છે.’ પોસ્ટમાં તેમણે વધુમાં દીપિકા તેમજ ફિલ્મના નિર્માતા વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવા પણ જણાવ્યું હતું.10 જાન્યુઆરીના દીપિકાની આગામી ફિલ્મ છપાક રિલીઝ થઈ રહી છે.
આ ફિલ્મ અગાઉ જેએનયુમાં થયેલી હિંસામાં ઈજાગ્રસ્ત જેએનયુ વિદ્યાર્થી સંઘની અધ્યક્ષ આઈશા ઘોષ સાથે મુલાકાત કરવા દીપિકા જેએનયુ કેમ્પસ પહોંચી હતી. દીપિકાએ કેમ્પસમાં 10 મિનિટ જેટલો સમય વિતાવ્યો હતો. દીપિકાએ જેએનયુએસયુની અધ્યક્ષને મળતા કેટલાક વિદ્યાર્થી સંગઠનોએ દીપિકાની આગામી ફિલ્મનો બહિષ્કાર કરવા સોશિયલ મીડિયા પર કેમ્પેન છેડ્યું હતું. ભાજપ સમર્થિત વિદ્યાર્થી પાંખે તેમજ કેટલાક ભાજપના નેતાઓએ છપાકનો બહિષ્કાર કરવા જણાવ્યું હતું.
જો કે ગઈકાલે મંત્રી પ્રકાશ જાવડેકરે વલણ સ્પષ્ટ કર્યું હતું કે, દીપિકા તેમજ સ્વતંત્ર દેશના તમામ નાગરિક પોતાની મરજીથી ગમે ત્યાં જઈ શકે છે. દીપિકાની આગામી ફિલ્મ છપાક એસિડ હુમલાનો ભોગ બનનાર લક્ષ્મી અગ્રવાલ તેમજ તેના સંઘર્ષમય જીવનની વાર્તા છે. આ ફિલ્મથી દીપિકા પ્રોડ્યુસર તરીકે પણ પદાર્પણ કરી રહી છે.