ભારતની ટોચની તીરંદાજ દીપિકા કુમારીએ પેરિસમાં ચાલી રહેલા તીરંદાજીના વર્લ્ડ કપના સ્ટેજ થ્રીમાં ધમાકેદાર દેખાવ કરી એક જ દિવસમા ત્રણ ગોલ્ડ મેડલ મેળવી એક નવો જ રેકોર્ડ સર્જ્યો હતો.
દીપિકાએ મહિલા ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ પછી તેના પતિ અતાનુ દાસ સાથે મિક્સ ટીમ ઈવેન્ટમાં અને છેલ્લે મહિલાઓની વ્યક્તિગત રીકર્વ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. ટોકિયો ઓલિમ્પિક અગાઉ દીપિકાના શાનદાર ફોર્મને કારણે ભારતની મેડલની આશા વધુ ઉજળી બની છે.પેરિસમાં વર્લ્ડ કપ સ્ટેજ-3માં ત્રણ ગોલ્ડ મેડલ બાદ જીત્યા ભારતની સ્ટાર તિરંદાજ દીપિકા કુમારી સોમવારે ફરી નંબર વન બની હતી. રાંચીની 27 વર્ષીય દીપિકાએ 2012માં પ્રથમ વખત ટોચનુ સ્થાન હાંસલ કર્યું હતું. રવિવારે તેને વુમેન્સ ઇન્ડિવિડ્યુઅલ, ટીમ અને મિક્સ્ડ પેર એમ ત્રણ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યાં હતા. આગામી મહિને ટોકિયો ઓલિમ્પિક્સમાં દેશનું પ્રતિનિધિત્વ કરનારી દીપિકા એકમાત્ર મહિલા તિરંદાજ છે.